જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી જિલ્લા પોલીસ તંત્ર અને આરટીઓ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 200 જેટલી બાઇકો સાથે યોજાયેલી આ રેલીમાં શહેરના મુખ્ય માર્ગો પર બાઇક સવારો ફરીને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ઉપયોગ અને માર્ગ સલામતી અંગે નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ રેલીમાં જામનગર જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ડીડીઓ નિશા સહિતના અધિકારીઓએ જાતે બાઇક ચલાવી રેલીમાં જોડાઈને માર્ગ સલામતીનો સંદેશ આપ્યો હતો. અધિકારીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે બાઇક ચલાવીને રેલીમાં ભાગ લેતા સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. અધિકારીઓએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવી માર્ગ સલામતી માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રેલીમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, આરટીઓ વિભાગના અધિકારી ચૌધરી સાહેબ, વ્યાસ સાહેબ, ઉપાધ્યાય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અગ્રણીઓએ પણ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ બાઇક રેલીમાં જામનગર પોલીસના જવાનો, ફાયર વિભાગના જવાનો, હોમગાર્ડ, જીઆરડી જવાનો, આરટીઓ વિભાગના કર્મચારીઓ, રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ સહિત વિવિધ સરકારી વિભાગો અને સામાજિક સંસ્થાઓના સભ્યો જોડાયા હતા. વિવિધ વિભાગો અને સંસ્થાઓના કર્મચારીઓ એકસાથે જોડાતા રેલીમાં માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષાનો સંદેશ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચ્યો હતો.
View this post on Instagram
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી દરમિયાન બાઇક સવારો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા તેમજ પોતાની સાથે અન્ય વાહનચાલકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી અને સહભાગિતા જરૂરી છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ રેલી માત્ર બાઇક રેલી પૂરતી મર્યાદિત ન રહેતા માર્ગ સલામતી અંગે સામૂહિક જાગૃતિનું માધ્યમ બની હતી. અધિકારીઓથી લઈને પોલીસ, ફાયર, હોમગાર્ડ, જીઆરડી અને વિવિધ સંસ્થાઓના સભ્યો સુધી સૌએ એકસાથે બાઇક પર સવાર થઈને શહેરના માર્ગો પર ફરી લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કર્યા હતા. અનેક વર્ષો બાદ બાઇક ચલાવવાનો અનુભવ પણ કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ માટે આનંદદાયક રહ્યો હોવાનું જણાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જામનગરવાસીઓને અપીલ કરી હતી કે વાહન ચલાવતી વખતે ઉતાવળ કે બેદરકારી ટાળવી, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. નાગરિકોની જાગૃતિ અને જવાબદારીથી જ માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડીને જામનગરને વધુ સુરક્ષિત અને સલામત શહેર બનાવવામાં યોગદાન આપી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.


