ભાજપા દ્વારા આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના દરેક ગામોમાં ગાંવ ચલો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા અધ્યક્ષ, સાંસદ, ધારાસભ્ય સહિતના પ્રવાસી કાર્યકર તરીકે બુથમાં રાત્રી રોકાણ કરશે. આ અંગે જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા સમગ્ર કાર્યક્રમ અંગે પત્રકારોની માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, ડો. વિનોદ ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, મિડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.
છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશકિતકરણ, આંતરીક અને બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાના ઐતિહાસિક કામો કર્યા છે. ભાજપના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર તથા રાજય સરકારના વિકાસ કામોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈ પ્રજાનો વિશ્વાસ મેળવી 2024ની આગમી લોકસભા ચૂંટણીમાં પુન: સમર્થન મેળવાના આશયથી ’ગાંવ ચલો અભિયાન’ આગામી તા. 10 અને 11 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે.
પ્રદેશની યોજના અનુસાર જે રીતે મુખ્યમંત્રી અને પ્રદેશના પદાધિકારીઓ આ અભિયાનમાં જનાર છે તે રીતે જામનગર જિલ્લામાં પણ દરેક ગામો, શહેરી વિસ્તારના દરેક બુથોમાં એક-એક કાર્યકર્તા (તેઓના મૂળ ગામ સિવાય અન્ય ગામ કે બુથમાં) રાત્રી રોકાણ કરી, ર4 કલાક ’પ્રવાસી કાર્યકર’ તરીકે જશે. જેમાં 486થી વધુ કાર્યકરોને આ માટે કોણ કયા ગામમાં જશે તેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા અલીયા મુકામે, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પસાયા ગામે, સાંસદ પૂનમબેન માડમ નાઘેડી મુકામે, પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ કાલાવડ શહેરમાં, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ મોટી ભલસાણ, પૂર્વ કેબીનેટમંત્રી ચીમનભાઈ શાપરીયા જામજોધપુર શહેર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ખારવા ગામે, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ બગધરા ગામે, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા શેખપાટ ગામે, પૂર્વ ધારાસભ્ય ચીરાગભાઈ કાલરીયા ગીંગણી ગામે, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી ઈશ્વરીયા ગામે, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા ડબાસંગ ગામે, મહામંત્રી અભિષેક પટવા કાલાવડ શહેરમાં, લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરી મોરકંડા ગામે, પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. પી.બી. વસોયા સચાણા ગામે, પૂર્વ જિલ્લા પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી બાળા ગામે પ્રવાસી કાર્યકર તરીકે જશે અને રાત્રી રોકાણ કરનાર હોવાનું જિલ્લા ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે.