Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ તેના બજેટના કદમાં 125 કરોડનો વધારો કર્યો

જામ્યુકોએ તેના બજેટના કદમાં 125 કરોડનો વધારો કર્યો

- Advertisement -

જામનગર મહાપાલિકાના વાર્ષિક અંદાજપત્રના કદમાં 125 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં મ્યુ. કમિશનર દ્વારા જામનગર મહાપાલિકાનું વર્ષ 2024-25નું રૂા. 1243 કરોડનું અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિની બેઠકમાં બજેટની જોગવાઇઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ બજેટના કુલ કદમાં 125 કરોડનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વધારા સાથે બજેટનું કુલ કદ 1368 કરોડ થયું છે. બજેટમાં શહેરના સમર્પણ જંકશન અને ઠેબા ચોકડી પાસે ફલાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા રજૂ કરાયેલ 2024-25ના અંદાજપત્ર અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણાના અંતે 2024-25ના અંદાજપત્રમાં મિલકત વેરો, પાણી વેરો, મનોરંજન કર, વ્યવસાય વેરો, રિબેટ દર વગેરે કરવેરામાં કોઇ જાતનો વધારો સૂચવવામાં આવ્યો નથી. ગતવર્ષ મુજબના દરો જ યથાવત્ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જ્યારે રેઇન્ટ બેઇજ મુજબની વ્યાજ માફી યોજનાની મુદ્ત તા. 31-3-24 સુધી લંબાવવામાં આવી છે. જ્યારે ક્ષેત્રફળ આધારીત બાકી મિલકત વેરા વસુલાત માટે વ્યાજમાફી યોજનામાં 100 ટકા વ્યાજ માફી આપવાની ભલામણ કરવામાં આવી છે. મુખ્ય ટેકસ ઉપરાંત અન્ય ચાર્જિસ જેવા કે, સોલિડ વેસ્ટ કલેકશન ફાયર ચાર્જ, ભૂગર્ભ ગટર ચાર્જ, બગીચાઓમાં એન્ટ્રી ફી, ભૂજિયા કોઠા એન્ટ્રી ફી, કોમ્યુનિટી તેમજ ટાઉનહોલના ભાડા વગેરે પણ યથાવત્ રાખવામાં આવ્યા છે.

- Advertisement -

જામ્યુકો દ્વારા સમર્પણ જંકશન અને ઠેબા ચોકડી પાસે જે ફલાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે માટે સરકાર રૂા. 125 કરોડની રકમ ફાળવશે. આ રકમનો ઉમેરો બજેટમાં કરવામાં આવતાં બજેટના કદમાં 125 કરોડનો વધારો થયો છે. વર્ષના અંતે બજેટમાં 184 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. સ્થાયી સમિતિએ વર્ષ 2024-25ના અંદાજપત્રને બહાલી આપતાં બજેટને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત જામ્યુકોના બજેટમાં કેટલીક વિકાસ યોજનાઓ રજૂ કરવામાં આવી છે. તેમાં ડિજિટલ લાયબ્રેરી, નવા ગૌરવપથ, મલ્ટિપપરઝ ઓડિટોરીયમ, મલ્ટિસ્ટોરે શાક માર્કેટ, રાત્રી બજાર, રિવર ફ્રન્ટ, 1404 આવાસનું રિડેવલોપમેન્ટ, રિકાર્પેટના કામો, રાજકોટ રોડ તેમજ ખંભાળિયા રોડના એન્ટ્રી માર્ગોને સિક્સ લેન કરવા સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, જે વિકાસ યોજનાઓ અને વિકાસ કામો જામનગર મહાપાલિકા દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવ્યા છે. તે દરેક કામો માટે કેટલી નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે? તે જાહેર કરવામાં આવ્યું નથી. માત્ર લમસમ રકમના આધારે આ વિકાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સાથે-સાથે આ યોજનાઓનો પ્રારંભ તેમજ અમલ થવાનો આધાર સરકારી ગ્રાન્ટની ઉપલબ્ધતા પર રહેલો છે.

- Advertisement -

બજેટના આકડાઓ તેમજ જામ્યુકોના પોતાના ખર્ચ અને આવકના આકડાઓ જોતાં જામનગર શહેરના વિકાસનો આધાર સંપૂર્ણપણે સરકારી ગ્રાન્ટ પર નિર્ભર હોવાનું જણાઇ રહ્યું છે. જામ્યુકો પોતાની આવકમાંથી કોઇ વિકાસ કામો હાથ ધરી શકે તેવી સ્થિતિમાં જણાતી નથી. કેમ કે, જામ્યુકોની પોતાની જે આવક થાય છે તે તમામ આવક પગાર ખર્ચ અને અન્ય ખર્ચમાં વપરાઇ જાય છે. ત્યારે એકમાત્ર સરકારી ગ્રાન્ટ શહેરના વિકાસનો આધાર બની રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular