જામનગર શહેરમાં પાન લેવા ગયેલા વિદ્યાર્થી યુવક ઉપર સામુ જોવાની બાબતે ચાર શખ્સોએ બોલાચાલી કરી લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી ઇજા પહોંચાડ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગરમાં મોરકંડા રોડ પર સનસિટીમાં રહેતો અને અભ્યાસ કરતો ગુલામ હૈદર ફિરોઝ ખફી (ઉ.વ.19) નામનો યુવક બુધવારે મધ્યરાત્રિના સમયે પેટ્રોલપંપ નજીક પાનની દુકાને પાન લેવા ગયો હતો તે દરમ્યાન ત્યાં બેસેલા ફૈઝલ શમા નામના શખ્સે ગુલામ હૈદર સાથે સામુ જોવાની બાબતે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ફૈઝલ સમા, ઇદ્રીશ હાલા, મોઇનુદીન હાલા, આદિલ હાલા નામના બાઇક પર આવેલા 4 શખ્સોએ એકસંપ કરી ગુલામ હૈદરને ગાળાગાળી કરી લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી નીચે પછાડી દીધો હતો. ઉપરાંત ફૈઝલે યુવકનું માથું પકડી બંધ દુકાનના શટરમાં અથડાવી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. નજીવી બાબતે વિદ્યાર્થી યુવક પર કરાયેલા હુમલામાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી.આર.ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


