જામનગર શહેરમાં નાગમતી નદીના તટે વર્ષોથી જન્માષ્ટમીના મેળાનું આયોજન થાય છે, તે પરંપરા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વખતે પણ જાળવવામાં આવી છે. જેના ભાગરૂપે રંગમતી નદીના પટમાં જન્માષ્ટમીના મેળાની તૈયારીઓ ચાલી રહી છે અને જોઈન્ટ વ્હીલ, ટોરાટોરા, બ્રેક ડાન્સ, નાવડી, સેલંબો, ડ્રેગન ટ્રેન, બાળકોની મીની ટ્રેન, ઝંપિંગ, પાણીની બોટ સહિતની વિવિધ રાઈડ લગાવવામાં આવી છે, અને આજથી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પૂર્વે જામનગર મહાનગરપાલિકા તેમજ ફિટનેસ ચેકિંગ માટે ટીમ પહોંચી હતી અને મેળામાં વિવિધ રાઇડની ફિટનેસ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ ડિપાર્ટમેન્ટ તથા ફાયર વિભાગ સહિત છ લોકોની ટીમ આ ચેકિંગ માટે પહોંચી હતી. જેમાં રાઇડો ચાલુ કરાવી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ જરુરી સૂચનો પણ આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ રાઇડ સંચાલકોને પરર્ફોમિંગ લાયસન્સ આપવામાં આવશે.
જે મેળામાં પણ યાંત્રિક રાઈડની ચકાસણી સહિતની કાર્યવાહી ચાલી રહી છે અને આજથી લોકો માટે મેળાનું મનોરંજન પુરુ પાડી શકાશે. જામનગર શહેરમાં ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે જ્યારે સાત રસ્તા સર્કલમાં પણ પતરા લગાવીને ફલાય ઓવરનું કાર્ય હાથ ધરાયું છે ત્યારે સાત રસ્તા સર્કલથી લાલ બંગલા તરફ ખૂબ જ ટ્રાફિક રહે છે. જ્યોતિ પ્રદર્શન મેદાનના મેળા તરફનું ભારણ ઓછું કરવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બે સ્થળો પર મેળાનું આયોજન કરાયું છે અને નદીના પટમાં પણ લોકો સારી રીતે મેળાનું મનોરંજન માણી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સાતમ- આઠમના તહેવાર તેમજ અમાસ સુધી મેળો ચાલુ રહેશે.