Monday, June 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ ત્રણ ટયુશન કલાસીસો સીલ કરતી ફાયર શાખા - VIDEO

જામનગરમાં વધુ ત્રણ ટયુશન કલાસીસો સીલ કરતી ફાયર શાખા – VIDEO

વિદ્યાર્થીઓને બાહર કાઢી કલાસ બંધ કરાવવામાં આવ્યા

જામનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલતા ટયુશન કલાસોમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી સહિતના મુદાઓને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર એનઓસી અને જરૂરી ફાયરના સાધનો વિના ચાલતા ત્રણ કલાસીસો ઝડપાતાં તેને સીલ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ત્રણ દિવસના વિરામ બાદ ટયુશન કલાસમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફાયર એનઓસી સહિતના મુદ્ે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમે સૌપ્રથમ જૂના દીપક સિનેમા વાળા દીપક શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલા ઓમ ટ્યુશન ક્લાસ અને મોરલ ટ્યુશન ક્લાસ ખાતે તપાસ હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન બંને ટ્યુશન ક્લાસમાં કોઈપણ પ્રકારની ફાયર સલામતીની પ્રણાલી ઉપલબ્ધ ન હોવાનું તેમજ જરૂરી ફાયર એનઓસી પણ મેળવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. તે સમયે બંને ક્લાસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ક્લાસ ખાલી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમે બંને ક્લાસ પર સીલ મારી સંચાલકોને નોટિસ ફટકારી હતી.

- Advertisement -

ત્યારબાદ ફાયર વિભાગની ટીમે રણજિતનગર વિસ્તારમાં પટેલ સમાજ પાસે આવેલા કે. ડી. એકેડમી નામના ટ્યુશન ક્લાસમાં તપાસ કરી હતી. અહીં બીજા માળે ટ્યુશન ક્લાસ ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન અહીં પણ ફાયર સલામતીની કોઈ વ્યવસ્થા ન હોવાનું તેમજ ફાયર એનઓસી મેળવવામાં આવી ન હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓને નીચે ઉતારી ક્લાસ ખાલી કરાવવામાં આવ્યો હતો. બાદમાં મહાનગરપાલિકાએ ક્લાસને સીલ કરી સંચાલકને નોટિસ પાઠવી હતી.

રણજીતનગર વિસ્તારમાં જ આવેલા એક ટ્યુશન ક્લાસમાં તપાસણી દરમિયાન ફાયર એનઓસી મેળવેલી હતી, પરંતુ ફાયર પ્રણાલી વગેરેની પુન: ચકાસણી કરી લેવા અને ફાયરના સાધનો બરાબર કામ કરે છે કે નહીં, તે સંદર્ભમાં ટ્યુશન ક્લાસના સંચાલકને નોટિસ પાઠવી દેવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફિસર અનવર ગજ્જણ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ફાયર વિભાગના ફાયર ઓફિસરની ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ ટ્યુશન ક્લાસના સંચાલકોને ફાયર સલામતીના નિયમોનું પાલન કરી જરૂરી ફાયર એનઓસી મેળવ્યા બાદ જ ક્લાસ શરૂ કરવા સૂચના આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular