Monday, December 2, 2024
HomeUncategorizedમેઘરાજાની એન્ટ્રી : લાલપુરમાં અઢી, કાલાવડમાં બે ઇંચ વરસાદ - VIDEO

મેઘરાજાની એન્ટ્રી : લાલપુરમાં અઢી, કાલાવડમાં બે ઇંચ વરસાદ – VIDEO

ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મોસમના પહેલા વરસાદનો આનંદ માણ્યો: જામનગર શહેરમાં એક ઇંચ તથા જામજોધપુર, જોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ : વિજળીના કડાકા-ભડાકા વચ્ચે મોટાવડાળામાં 3 ઇંચ, ખરેડીમાં અઢી ઇંચ : જામનગર શહેર-જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘાવી માહોલ છવાયો હતો. કાલાવડમાં ગઇકાલે સાંજે મેઘરાજાની તોફાની ઇનિંગથી માત્ર બે કલાકમાં બે ઇંચ પાણી વરસી જતાં માર્ગો પાણી-પાણી થયા હતાં. જ્યારે રાત્રીના સમયે જામનગર શહેરમાં પણ વિજળીના કડાકા-ભડાકા વચ્ચે શરુ થયેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગઇકાલે જામનગર શહેર, લાલપુરમાં અડધો-અડધો ઇંચ તથા જામજોધપુરમાં નવ મીમી જેટલું પાણી વરસ્યું હતું. આજે સવારે પણ મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. આજે સવારે જામનગર શહેરમાં વધુ અડધો ઇંચ જ્યારે લાલપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. તો બીજીતરફ લોકોએ પણ ગરમીમાંથી રાહત મેળવી વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. બીજીતરફ વરસાદના આગમન સાથે જ અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ હતી તથા અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી પણ ભરાયા હતાં.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો પરેશાન થયા હતાં. અસહ્ય ગરમીથી શહેરીજનો અકળાઇ ઉઠયા બાદ ગઇકાલે થયેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી જામનગર સહિત ગ્રામ્ય પંથકોમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. દરમિયાન ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતાં વરસાદ શરુ થયો હતો. છેલ્લા થોડા દિવસોથી છુટોછવાયો વરસાદ જોવા મળ્યા બાદ ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટાથી વિજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ શરુ થયો હતો. જેમાં ગઇકાલે સાંજે 6થી 8 દરમિયાન કાલાવડમાં બે ઇંચ પાણી વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. તેમજ જોડિયામાં પણ છ મીમી પાણી વરસ્યું હતું.

- Advertisement -

રાત્રીના સમયે જામનગર શહેરમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે રાત્રે સાડા સાત વાગ્યા આજુબાજુ વરસાદી ઝાપટુ વરસ્યું હતું. જે અડધો ઇંચ પાણી વરસી ગયું હતું અને મોડીરાત્રી સુધી ઝરમર છાંટાનો દોર યથાવત્ રહ્યો હતો. રાત્રે 8થી 10 દરમિયાન લાલપુરમાં પણ અડધો ઇંચ તથા કાલાવડમાં વધુ ચાર મીમી તથા જામજોધપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો. રાત્રે 10થી 12 દરમિયાન લાલપુરમાં વધુ 10 મીમી તથા જામજોધુપરમાં વધુ 5 મીમી પાણી વરસી જવા પામ્યું હતું. ગઇકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન કાલાવડમાં 54 મીમી, લાલપુરમાં 22મીમી, જામજોધપુરમાં 20 મીમી, જામનગર શહેરમાં 14 મીમી તથા જોડિયામાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.

આજે સવારે પણ જામનગર શહેર તથા લાલપુર, જામજોધપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. આજે સવારે 6 થી 8 દરમિયાન જામનગર શહેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6થી 8 દરમિયાન જામનગર શહેરમાં 14 મીમી તથા જોડિયામાં 3 મીમી તથા લાલપુરમાં સવારે 8થી 10 દરમિયાન અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો તથા જામજોધપુરમાં પણ વધુ 9 મીમી પાણી વરસ્યું હતું. આમ ગઇકાલથી આજ સુધીમાં કાલાવડ તથા લાલપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.

- Advertisement -

ગઇકાલે બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા વચ્ચે શરુ થયેલા વરસાદથી જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન લાલપુર તાલુકાના પડાણામાં 40 મીમી મોટાખડબામાં 10 મીમી, મોડપરમાં 12 મીમી, હરીપરમાં 7મીમી, ભણગોરમાં 3 મીમી, જામજોધપુર પંથકના સમાણામાં 25 મીમી, શેઠવડાળામાં 46 મીમી, જામવાડીમાં 48મીમી, ધ્રાફામાં 30 મીમી, પરડવામાં 27 મીમી, ધુનડામાં 15, વાંસજાળીયામાં 19 મીમી, કાલાવડ પંથકના મોટાવડાળામાં 75 મીમી, મોટાપાંચદેવડામાં 55 મીમી, નવાગામમાં 45 મીમી, ખરેડીમાં 65 મીમી, નિકાવામાં 42 મીમી, જામનગર તાલુકાના દરેડમાં 20 મીમી, જામવંથલીમાં 18 મીમી, મોટીભલાસણમાં 15 મીમી, અલિયાબાદામાં 7 મીમી, વસઇમાં 11 મીમી, લાખાબાવાળમાં 12મીમી, મોટીબાણુંગારમાં 13 મીમી, ફલ્લામાં 4 મીમી, જોડિયા તાલુકાના હડિયાણામાં 12મીમી, બાલંભામાં 5 મીમી, પીઠડમાં 8 મીમી, ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં 10 મીમી તથા લૈયારામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. આમ શહેર તાલુકાની સાથે સાથે ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાના આગમનથી ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular