Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કનસુમરા શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કનસુમરા શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

કનસુમરા કન્યા શાળા અને કુમાર શાળામાં 51 બાળકોએ ધો.1માં તથા આંગણવાડીમાં 12 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

- Advertisement -

જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના કનસુમરા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા કનસુમરા ક્ન્યા શાળામાં 26 કન્યાઓને અને કનસુમરા કુમાર શાળામાં 25 બાળકો મળી કુલ 51 બાળકોને ધો. 1માં તેમજ આંગણવાડીમાં 12 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી, ગત શૈક્ષણીક વર્ષ દરમિયાન શાળામાં શ્રેષ્ઠ પરિણામ લાવનારા બાળકોને ઈનામ આપી સન્માનિત કર્યા હતા. તથા આંગણવાડીના બાળકોને રમકડાની કીટ આપી હતી. તેમજ ગામના દાતા કાનાભાઇ ફકીરાભાઇ બાંભવાએ તમામ બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું.

- Advertisement -

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ. કે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોનું 100% નામાંકન થાય તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. ત્યારે વાલીઓ, ગામ લોકો, ગામના આગેવાનો, દાતાઓ અને શિક્ષકોના સહયારા પ્રયાસથી આ ગામની શાળાએ ઘણા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે અને વિશેષ ગુણવત્તા સભર શિક્ષણ માટે શાળામાં કનસુમરા ગામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી રૂા. 5 લાખ જેવી દાનની રકમ મળેલ હતી. જેને આવકારવામાં આવ્યું હતું. તેમજ શાળા અને ગામ લોકોની કામગીરીને જોઈને આ શાળા સરકાર દ્વારા સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત પસંદ થયેલ હોય તથા હાલમાં શાળામાં કુલ 251 કન્યા ઓ અભ્યાસ કરતી હોય, ક્ન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળાના આચાર્યની રજુઆતને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળાને રૂ.251000ની રકમ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ હતી અને આ શાળા ઉતરોતર શ્રેષ્ઠ શાળા બને તેવો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ.ઇન્સ્પેકટર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ, સ્થાનિક સંસ્થાના આગેવાનો અને ગામના અગ્રણીઓ, વાલીઓ, શિક્ષકગણ તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમ પુર્ણ થયે જિલ્લા વિકાસ અધિકારી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular