જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ ઉપર ડિલેવરી કરવા ગયેલા યુવાનને આંતરીને છરી બતાવી વાહન અથડાવવાના ખર્ચના રૂપિયાની માંગણી કરી બળજબરીપૂર્વક રૂા. 1100ની રોકડ લૂંટી લીધાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખોજા ચકલા વિસ્તારના રહીશ જાફર ઇબ્રાહિમભાઇ વહેવારિયા (ઉ.વ.29) નામનો યુવાન ઝોમેટોમાં ડિલેવરી બોય તરીકે નોકરી કરતો હતો અને ત્રણ દિવસ પહેલાં રાત્રિના બે વાગ્યાના અરસામાં પાર્સલ લેવા જોલી બંગલા પાસે આવેલી જય માતાજી હોટલમાં તેના જીજે10 સીએલ 3899 નંબરના બાઇક પર જતો હતો ત્યારે હીરજી મિસ્ત્રી રોડ ઉપર, પ્રણામી સ્કૂલની બાજુમાંથી પસાર થતો હતો ત્યારે પાછળથી આવેલા જીજે03 ડીબી 7218 નંબરના એવિએટર પર આવેલા બે શખ્સોએ જાફરને છરી બતાવી વાહન અથડાવવાના ખર્ચપેટે રૂપિયાની માંગણ કરી હતી. જેથી રૂપિયા આપવાની ના પાડતાં બન્ને શખ્સોએ છરીની અણીએ ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી જાફર પાસેથી બળજબરીપૂર્વક રૂા. 1100ની રોકડ લૂંટી લીધી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


