રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કોરોનાના 40 કેસ નોંધાયા હતાં. જે પૈકીના અમદાવાદમાં સૌથી વધુ 10 અને વડોદરામાં 8 તથા જામનગરમાં સાત કેસ નોંધાયા છે. હાલ ત્રીજી લહેરની શકયતા વચ્ચે કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધતાં લોકોમાં ભય ફેલાઈ ગયો છે તેમજ પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં લોકોએ પણ તકેદારી અને ગાઈડલાઈનનું પાલન ચૂસ્તપણે કરવું જરૂરી બની ગયું છે તેમજ મ્યુકોરમાઈકોસિસમાં પણ એક દર્દીનો ઉમેરો થયો છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં એક જ પરિવારના એક બાળક સહિત 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. દર્દોઓમાંથી 6 ને હોમ આઈસોલેટ અને એક પુરુષ દર્દીને હોસ્પિટલના દાખલ કરવામાં આવતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 6 થઈ છે. સાજા થયેલા 4 દર્દોઓને રજા આપવામાં આવી હતી. આરોગ્ય તંત્રએ દર્દીઓના રહેણાંક વિસ્તારના ઘરોનો સર્વે અને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવીને ટ્રેકીંગ કરવાનું શરુ કર્યું છે.
જામનગરમાં એક વિસ્તારમાં રહેતા સાત વ્યક્તિઓનો પરિવાર થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગ માટે અન્ય જિલ્લામાંથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો દેખાતાં પરીક્ષણ કરાવતાં 6 વર્ષના બાળક સહિત તમામ કોરોના પોઝિટીવ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. આરોગ્ય તંત્રએ જણાવ્યા પ્રમાણે પરિવારના એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળક સહિતના બાકીના છ સભ્યોને હોમ આઈસોલેટ કરાયા છે. આ ઉપરાંત તમામ દર્દીઓના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું. તેની વિગતો મેળવીને મ્યુ.કોર્પો.ની ટીમે સંપર્ક ટ્રેકીંગની કામગીરી હાથ ધરી છે. તેમજ દર્દીના રહેણાંક વિસ્તારમાં નજીકના ઘરોમાં રહેતા લોકોના પણ આરોગ્યની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, નવેમ્બર માસમાં છુટક છુટક્ના ધોરણે જામનગર શહેર જિલ્લામાં કોરોનાના કુલ 3ર કેસ નોંધાયા છે.