ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હમીદભાઈ ઉમરભાઈ ગંઢાર નામના 36 વર્ષના મુસ્લિમ યુવાનના મિત્ર રમેશ ભીમજીભાઈ પારીયા (રહે. ડિફેન્સ કોલોની, જામનગર) એ ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ તેમની પાસે આવીને કહેલ કે “મારે થોડી વાર માટે તમારી ગાડીની જરૂરત છે. મને તમારી મોટરસાયકલ આપો. હું થોડીવારમાં મારું કામ પૂરું કરીને તમને તમારી મોટરસાયકલ પાછી આપી જઈશ” તેમ કહેતા ફરિયાદી હમીદભાઈ ગંઢારએ તેમની પાસે રહેલું તેમના મિત્ર પ્રવીણભાઈનું જી.જે. 37 એલ. 5581 નંબરનું મોટરસાયકલ આપ્યું હતું.
આ પછી આરોપી રમેશ પારીયા પરત ન આવતા તેમણે જામનગર ખાતે આરોપીના ઘરે તપાસ કરી હતી. જ્યાં તેઓ મળી આવ્યા ન હતા. એટલું નહીં, તેમનો મોબાઈલ ફોન પણ લાગતો ન હતો. આમ, મિત્ર દ્વારા રૂ. 20,000 ની કિંમતનું મોટરસાયકલ વાપરવા નું કહીને લઈ ગયા બાદ પરત ન ફરતા આ મામલે સલાયા મરીન પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત કરવા સબબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. એસ.આર. ખરાડી ચલાવી રહ્યા છે.


