Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સચેન્નાઇ ચેમ્પિયન, જાડેજા હિરો

ચેન્નાઇ ચેમ્પિયન, જાડેજા હિરો

છેલ્લા બે બોલમાં રવીન્દ્ર જાડેજાએ 10 રન ફટકારી ચેન્નાઇને પાંચમી વખત આઇપીએલ ટાઇટલ અપાવ્યું : દિલધડક ફાઇનલમાં ક્રિકેટ પ્રેમીઓનો રાત ઉજાગરો વસુલ

- Advertisement -

ત્રણ દિવસ સુધી ખેંચાયેલો આઈપીએલ-16નો ફાઈનલ અંતિમ બોલ સુધી રોમાંચક રહ્યો હતો. ચેન્નાઈ માટે રમી રહેલા જામનગરના રવીન્દ્ર જાડેજા (6 બોલમાં અણનમ 15 રન)એ ગુજરાતના હોમગ્રાઉન્ડ ઉપર બે બોલમાં દસ રન બનાવવાના હતા. આખી સીઝન અને આ મેચમાં પણ ઉમદા બોલિંગ કરી ચૂકેલો મોહિત શર્મા એટેક માટે તૈયાર હતો. જો કે રવીન્દ્ર જાડેજા કંઈક અલગ જ ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યો હોય તેવી રીતે પાંચમા બોલે છગ્ગો લગાવ્યો અને તેના પછીના મતલબ કે ઓવરના છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને પાંચમો આઈપીએલ ખીતાબ જીતાડી દીધો હતો. તેની સાથે બીજા છેડે ઉભેલા શિવમ દુબેના 21 બોલમાં અણનમ 32 રનનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. આ જીત સાથે જ ધોનીના ધુરંધરોએ મુંબઈ ઈન્ડિયન્સની સૌથી વધુ પાંચ આઈપીએલ ટ્રોફી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

- Advertisement -

ફાઈનલ મુકાબલામાં સળંગ બીજા દિવસે વરસાદે મેચમાં અડચણ ઉભી કરી હતી. ચેન્નાઈની ઈનિંગ્સના ત્રીજા બોલે ઋતુરાજ ગાયકવાડે ચોગ્ગો લગાવતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ અટક્યા બાદ આઉટફિલ્ડને ઠીક કરવામાં ઘણો બધો સમય નીકળી ગયો હતો. જો કે અંતે રમત બે કલાક 20 મિનિટ બાદ શરૂ થઈ શકી હતી. ત્રીજા દિવસ સુધી ખેંચાયેલી આઈપીએલ-16નો ફાઈનલ જીતવા માટે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વરસાદ પહેલાં ચેન્નાઈએ ત્રણ બોલમાં ચાર રન બનાવ્યા હતા.

- Advertisement -

મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ માટે જરૂરી હતું કે તેની ઈન્ડો-કિવિ પાર્ટનરશીપ ખૂબ જ ચાલે.આ સીઝન ચેન્નાઈના ટોપ-2 બેટર્સમાં ન્યુઝીલેન્ડનો ડેવોન કોન્વે (26 રન, 16 બોલ) અને ભારતનો ઋતુરાજ ગાયકવાડ (47 રન, 25 બોલ) રહ્યા હતા. આ બન્ને ઓપનર્સે બદલાઈ રહેલી સ્થિતિઓમાં પાવરપ્લેની ચાર ઓવરમાં 52 રન ઝૂડી નાખ્યા હતા. બન્ને વચ્ચે પહલી વિકેટ માટે 39 બોલમાં 74 રનની ભાગીદારી થઈ હતી. આ બન્ને ચેન્નાઈને જીતના રસ્તે લઈ જઈ રહ્યા હતા કે નૂર અહમદે તેને પોતાની પહેલી જ ઓવરમાં પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. અજિંક્ય રહાણેએ 13 બોલમાં 27 રન ફટકારીને ચેન્નાઈને જીવંત રાખ્યું હતું. જ્યારે પોતાની નિવૃત્તિવાળા મેચમાં અંબાતી રાયડુએ પણ આઠ બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું.

- Advertisement -

આ પહેલાં રિઝર્વ-ડેવાળા આ આઈપીએલ ફાઈનલ પર ધોનીએ સિક્કાની ઉછાળમાં જીત હાંસલ કરીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેનો ફાયદો ઉઠાવતાં ગુજરાતે 20 ઓવરમાં 214 રન ખડકી દીધા હતા. મુળ ચેન્નાઈના અને ગુજરાત વતી રમતા બેટર સાઈ સુદર્શને ફ્લેટ પીચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ પહેલાં ઓપનર રિધ્ધિમાન સાહા (39 બોલ 56 રન)એ પણ તાબડતોબ ફિફટી બનાવી હતી પરંતુ 21 વર્ષીય સુદર્શને ચેન્નાઈના લગભગ દરેક બોલરની ખબર લેતાં 96 રન ફટકાર્યા હતા. તમીલનાડુ પ્રિમીયર લીગમાં સૌથી મોંઘા (21.6 લાખ રૂપિયામાં વેચાયેલા સુદર્શનને ગુજરાતે તેની મુળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નાઈ પર ચાલેલા આ ‘સુદર્શન ચક્ર’થી ગુજરાતે આઈપીએલના ફાઈનલમાં 214/4નો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. આ ઉપરાંત હાર્દિકે 12 બોલમાં અણનમ 21 રન ઝૂડ્યા હતા. બન્ને ટીમો પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પ્રકારના ફેરફાર વગર ઉતરી હતી. ચેન્નાઈ વતી પહેલી બે ઓવરમાં દીપક ચાહર અને તુષાર દેશપાંડેએ ગુજરાતના ઓપનર્સને ફાવવા દીધા ન્હોતા. બીજી ઓવરમાં શુભમન ગીલને તુષારે બરાબરનો ફસાવી જ લીધો હતો પરંતુ સ્કવેયર લેગ પર ઉભેલો ચાહર કેચ પકડી શક્યો ન્હોતો.

જાડેજાને ખભ્ભે ઉંચકી રડી પડયો ધોની

આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ગુજરાત ટાઈટન્સ પર જીત મેળવી લીધી હતી. જો કે આ જીતનો શિલ્પી રવીન્દ્ર જાડેજા રહ્યો હતો જેણે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી અશક્યને શક્ય બનાવ્યું હતું. રવીન્દ્ર વિજયી ચોગ્ગો ફટકારીને સીધો સીએસકેના પેવેલિયન તરફ દોડ્યો હતો. આ વેળાએ તે સાથી ખેલાડીઓને દૂર રાખીને ધોની પાસે ગયો અને ધોનીએ પણ જાડેજાને ખભ્ભે ઉચકીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પહેલી વખત ધોનીની આંખમાં આસું આવ્યા હતા. એકંદરે ધોની એટલો ભાવુક થઈ ગયો હતો કે તેણે લાંબા સમય સુધી જાડેજાને ગળે લગાવી રાખ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular