જામનગર શહેરમાં સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આવેલા એસબીઆઈના એટીએમમાંથી પુત્રીના એકાઉન્ટમાં એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા ગયેલા આધેડને ગઠીયો ભટકી જતા એટીએમના પાસવર્ડ જાણી કાર્ડ બદલાવી પુત્રીના ખાતામાંથી ગઠીયાએ 22 હજાર ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતાં ભવાનભાઈ ભગવાનજીભાઈ પારિયા નામના આધેડ દોઢ માસ અગાઉ સવારના સમયે તેની પુત્રી જયશ્રીબેનના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતા નં. 401165520908ના એટીએમ કાર્ડ દ્વારા ભવાનભાઇ જામનગરમાં સજુબા સ્કૂલ પાસ આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતાં. પરંતુ, આધેડને પૈસા ઉપાડતા આવડતું ન હોવાથી બાજુમાં રહેલાં અજાણ્યા શખ્સોએ મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી ચાલાકીથી એટીએમ કાર્ડ બદલાવી લીધું હતું અને ત્યારબાદ આધેડની જાણ બહાર તેની પુત્રીના ખાતામાંથી રૂા.22 હજારની રકમ ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગેની જાણ થતા આધેડે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા હેકો વી.એ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.