દેવભૂમિ દ્વારકા જિલ્લાની એન્ટી નાર્કોટિક્સ વિંગએ તાજેતરમાં મહત્વની કામગીરી કરી અને કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક મંદિરના પટાંગણમાંથી મંદિરના પૂજારી દ્વારા વાવવામાં આવેલા ગાંજાના જથ્થા સાથે તેની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂ. 6.07 લાખની કિંમતનો 12 કિલોથી વધુ વિવિધ ગાંજો જપ્ત કરી, આગળની કાર્યવાહી કરી હતી.
આ અંગેની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંજા જેવા માદક પદાર્થનું વેચાણ કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એન્ટી નાર્કોટિક્સ વિંગના ઈન્ચાર્જ પી.આઈ. રૂષિતસિંહ રાઠોડની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે એન્ટી નાર્કોટિક્સ વિંગના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ કરણભાઈ સોંદરવા અને અજયભાઈ ભારવાડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 42 કિલોમીટર દૂર મેવાસા ગામની સીમમાં આવેલા ભોપા મઢી વિસ્તારમાં સાત લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં મંદિરના પૂજારી દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન મેવાસા ગામના રહીશ અને સેવા પૂજાનું કામ કરતા મેરામણ સાજણ કાનાભાઈ ગાધેર (ઉ.વ.64) નામના વૃદ્ધ દ્વારા મંદિરના પટાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કરી, તેમની ચુકવણી કરી, સૂકો ગાંજો વેચવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ સ્થળેથી પોલીસે રૂ. 5,79,000ની કિંમતના 11.580 કિલો ગ્રામ ગાંજાના 70 છોડ તેમજ રૂ. 28,000ની કિંમતનો ડાળખાવાળો 570 ગ્રામ સૂકો ગાંજો મળી કુલ રૂપિયા 6,07,000નો મુદ્દામાલ કબજે કરી શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસની વધુ એક કાર્યવાહીમાં ****00445 મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલવા પામ્યું છે. વધુ વિગત મુજબ મંદિર પાસે આવેલા એક રૂમમાં એક સાધુ પાસે થોડો ગાંજો હોય, જેથી આરોપી તેમજ સાધુ બંને નિજાનંદ માટે ગાંજાની ચલમ ભરીને પીતા હતા અને સાધુ પાસે રહેલો ગાંજો પૂરો થઈ જતા સાધુ પાસે રહેલા ગાંજાના બીને તેઓએ મંદિરના પટાંગણમાં ફૂલ ઝાડની વચ્ચે આ ગાંજાના બીનું વાવેતર કર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. તેઓ ગાંજાનું સેવન કરી તેઓનો ખર્ચ કાઢવા માટે અહીં કોઈ મજુર આવે તો સુકવણી કરેલા ગાંજાનું વેચાણ કરતા હોવાનું પણ આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. આર.જી. રાઠોડ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ઈરફાનભાઈખીરા, કરણભાઈ સોંદરવા, નરેન્દ્રસિંહ જાડેજા, અજયભાઈ ભારવાડીયા, ગીતાબેન પરમાર, વેજાભાઈ ખીમાભાઈ અને સુરેશભાઈ કારીયા દ્વારા કરવામાં આવી હતી.


