જામનગર શહેર અને જિલ્લામાં વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો ડામવા માટે પોલીસ દ્વારા તપાસ અંતર્ગત સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે હાલમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કરતા શખ્સને રૂા.56,700 ના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પો.કો. રવિરાજસિંહ જાડેજા, કિશોર ગાગીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતો અને મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરની સામે રહેતાં જિતેન્દ્ર ઉર્ફે જિતુ કાનજી નકુમ નામના શખ્સને આંતરી લીધો હતો.
પોલીસે જિતેન્દ્ર ઉર્ફે જિતુ પાસેથી રૂા.1500 ની કિંમતની ચાંદીની બંગડી, રૂા.800 ની કિંમતની ચાંદીની લકકી, રૂા.1000 ની કિંમતનો ચાંદીનો ચેઈન, રૂા.6000 ની કિંમતના સોનાના બે બુટીયા, રૂા.3000 ની કિંમતના ચાંદીના એક જોડી સાંકળા, રૂા.3200 ની કિંમતના ચાંદીના સાંકળા, રૂા.3500 ની કિંમતનો કંદોરો, રૂા.2000 ની કિંમતની સોનાની બાલી તથા રૂા.31000 ની રોકડ રકમ મળી કુલ રૂા.56,700 નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.