જામનગરના મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાંથી પેટ્રોલ-ડીઝલના ટેન્કરો ભરી રાજસ્થાન મોકલ્યા હતાં તે દરમિયાન બે ટેન્કરોના ચાલકો દ્વારા ટેન્કરમાંથી પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુકત પેટ્રોલના જથ્થો પહોંચાડી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં રાજેશભાઈ મકવાણા નામનો યુવાન અગ્રવાલ રોડલાઈન્સ પ્રા. લી. નામની કંપનીમાં ફરજ બજાવતો હતો. આ કંપની દ્વારા મોટી ખાવડીમાં રીલાયન્સ કંપનીમાંથી જીયો.બી.પી.ડેપો મંડાર (રાજસ્થાન) ખાતેથી પેટ્રોલ-ડીઝલના પરિવહન માટે ટેન્કરો રાખવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટમાં ટ્રાન્સપોર્ટના જીજે-12-સીટી-1492 તથા જીજે-13-સીટી-1307 નંબરના ટેન્કરોમાં જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી પેટ્રોલનો જથ્થો ભરી આ જથ્થાનો રાજસ્થાનના મંડારમાં આવેલા જીયો.બી.પી.ડેપો ખાતે મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી જે-તે પેટ્રોલ પંપને પહોંચાડવા મોકલ્યા હતાં. તે દરમિયાન બંને ટેન્કરોના ચાલક દાવદખાન સુજાખાન (રહે. કોટરા, રાજસ્થાન) અને કમરૂદ્દીન હાજીખાન (રહેે. કેરલીનાડી, રાજસ્થાન) નામના બે શખ્સોએ પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુકત પેટ્રોલ જે-તે પેટ્રોલપંપે ધાબડી દીધું હતું.
આ અંગેની જાણ થતા અગ્રવાલ ટ્રાન્સપોર્ટના કર્મચારી રાજેશભાઈ દ્વારા આ વિશ્વાસઘાત અંગે મેઘપર પોલીસમાં જાણ કરાતા પીઆઈ એ.એલ. બારસીયા તથા સ્ટાફે બે શખ્સો સહિતનાઓ વિરૂધ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


