જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 63 બેઠકો માટે રવિવારે થયેલા 58 ટકા જેટલા મતદાન બાદ આજે સવારથી હરિયા કોલેજ ખાતે કલેકટરની ઉપસ્થિતિ વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો. 16 વોર્ડની મતગણતરીમાં વોર્ડ નંબર 01, વોર્ડ નંબર 05, વોર્ડ નંબર 09, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 14માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો. આ વિજયમાં ખાસ કરીને કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલના વિજયની સાથે સાથે શહેર કોંગ્રેસ પ્રમુખની મહાનગરપાલિકાની ચૂંટણીમાં બીજીવખત કારમી હાર થઇ છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના ગઢમાં કેસરિયો લહેરાતા રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વિકાસના મુદે પ્રજાએ ભાજપમાં અટલ વિશ્ર્વાસ મૂકયો છે તે માટે પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ માટે ઐતિહાસિક પરિણામ સામે આવ્યું છે. ખાસ કરીને લઘુમતી બહુલ માનવામાં આવતા વોર્ડ નંબર 1માં ભાજપે પ્રથમ વખત ક્લીન સ્વીપ નોંધાવી મોટી રાજકીય હલચલ મચાવી છે. આ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસનો મજબૂત દબદબો રહ્યો હતો અને ભાજપ અહીં પોતાનું ખાતું પણ ખોલાવી શકતું નહોતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મતદારોમાં ભાજપ તરફ ભારે ઝોક જોવા મળ્યો હતો, જેના પરિણામે આખી પેનલ વિજેતા બની છે. આ વોર્ડમાં જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા પોતે મેદાનમાં ઉતર્યા હતા. લઘુમતી વિસ્તાર હોવાને કારણે તેઓ આ સીટને સુરક્ષિત માનતા હતા, પરંતુ પરિણામે તેમને કરારી હારનો સામનો કરવો પડ્યો છે.
ભાજપની આ જીતને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ ભારે ઝાટકા સમાન છે. સમગ્ર શહેરમાં આ પરિણામ ચર્ચાનો વિષય બન્યું છે, અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થતા જ ભાજપે વિજયી પ્રારંભ નોંધાવ્યો છે. સૌપ્રથમ જાહેર થયેલા વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 9ના પરિણામોમાં ભાજપે પ્રભાવશાળી જીત મેળવી છે. આ બંને વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બનતા આખી પેનલ જીતેતા થઈ ગઈ છે, જે પાર્ટી માટે મજબૂત શરૂઆત માનવામાં આવી રહી છે. મતગણતરીના પ્રારંભિક તબક્કામાં જ ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ વિજયી પ્રારંભ સાથે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને આગળના પરિણામોને લઈને પણ આશાવાદ વધ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી શહેરમાં પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. અનેક વોર્ડોમાં ભાજપની પેનલને બહુમતી મળતાં પક્ષે ક્લીન સ્વીપ નોંધાવ્યો છે.
ખાસ કરીને વોર્ડ નંબર દસમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે, જે પક્ષ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાઈ રહી છે. મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરતા પક્ષના ઉમેદવારોને એકતરફી સમર્થન આપ્યું હોવાનું પરિણામોમાં સ્પષ્ટ જોવા મળે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યા છે. બંને પક્ષો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભાજપની એકતરફી જીતની ચર્ચા જોર પકડી રહી છે. સમગ્ર પરિણામોને જોતા જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો પ્રભાવ યથાવત્ રહેતો દેખાઈ રહ્યો છે અને પક્ષે ફરી એકવાર શહેરની રાજનીતિમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.
જામનગર મહાનગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. વધુ એક વોર્ડમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં વોર્ડ નંબર 13માં આખી પેનલ વિજેતા બની છે. આ વોર્ડમાં વિરોધ પક્ષના અગ્રણીઓમાંના એક ધવલ નંદા ચૂંટણી મેદાનમાં હતા, છતાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવારોે મજબૂત પ્રદર્શન કરીને ક્લીન સ્વીપ નોંધાવ્યો છે, જે પાર્ટી માટે વધુ એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. મતગણતરી દરમિયાન ભાજપે સતત આગળ વધતા પોતાના પ્રભાવને મજબૂત બનાવ્યો છે, જ્યારે વિરોધ પક્ષને આ વોર્ડમાં નોંધપાત્ર ઝટકો લાગ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની અવિરત આગવી લીડ સાથે દબદબો યથાવત રહ્યો છે. પાંચ વોર્ડમાં પહેલેથી જ પેનલ વિજેતા બન્યા બાદ હવે વોર્ડ નંબર 14માં પણ ભાજપે શાનદાર જીત નોંધાવી છે. વોર્ડ નંબર 14માં એક બેઠક ભાજપે અગાઉથી જ બિનહરીફ રીતે જીતી લીધી હતી, જ્યારે બાકી રહેલી ત્રણ બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ ત્રણેય બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો આરામથી વિજેતા બનતા આખી પેનલનો વિજય થયો છે. આ જીત સાથે અત્યાર સુધીમાં ભાજપે કુલ છ વોર્ડમાં સંપૂર્ણ પેનલ સાથે જંગી વિજય મેળવી લીધો છે, જે પક્ષ માટે વધુ એક મજબૂત સફળતા માનવામાં આવી રહી છે. મતગણતરી દરમિયાન ભાજપ સતત આગળ વધી રહ્યો છે અને શહેરમાં કેસરિયો માહોલ છવાઈ ગયો છે.


