જામનગર શહેરમાં પાંચ દિવસથી બે બાળમુમુક્ષુનો દિક્ષા ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા દિવસે પ.પૂ. આચાર્ય ભગવંત મનમોહનુરિશ્ર્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત હેમપ્રભસુરિશ્ર્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય ભગવંત જયર્ધસુરિશ્ર્વરજી મ.સા. આદિ ગુરૂ ભગવંતોની તથા ગયણીજી મહારાજ સાહેબની નિશ્રામાં બાળમુમુક્ષુ મોક્ષ રાકેશભાઇ કોરડીયા તથા મુમુક્ષુ જૈનમ નિલેશભાઇ કરણિયાએ આજે સવારે 5:20 વાગ્યાથી દિક્ષાની વિધિ શરૂ થઇ હતી. જેમાં સવારે 8:30 વાગ્યે બંને મુમુક્ષુએ છેલ્લી વખત ભગવાનની પૂજા કરી હતી.
ત્યારબાદ ઓઘો ગ્રહણ કરી લીધો હતો. ઓઘો ગ્રહણ કર્યા બાદ મુંડન તથા મહારાજ સાહેબોના કપડાં ગ્રહણ કરી લીધા હતાં. જે અગાઉ ગઇકાલે રાત્રે બંને બાળમુમુક્ષુને વિદાય આપવામાં આવી હતી તથા બંનેના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. દિક્ષાર્થીને તિલક, સન્માન, સોનાની છેલ્લીવાર વિંટી પહેરાવવાના ઘીની બોલી બોલાઇ હતી. દિક્ષાવિધિમાં મોટી સંખ્યામાં ભાઇઓ, બહેનો, બાળકો ઉમટી પડયા હતાં. આજે દિક્ષા પૂર્ણ થઇ ગયેલ હતી. ત્યારબાદ સ્વામિ વાત્સલ્યની વ્યવસ્થા સંઘ તરફથી કરવામાં આવી હતી.