જામનગરમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક એકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આયુર્વેદનો અભ્યાસ કરવા દેશ-વિદેશથી જામનગર આવેલા વિદ્યાર્થીઓએ દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ ગરબાનું આયોજન કર્યું છે. ‘ઝણકાર 2026’ અંતર્ગત યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ રાજ્યો અને વિદેશથી આવેલા વિદ્યાર્થીઓએ એકસાથે ગરબે ઘૂમી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનો આનંદ માણ્યો હતો.
આ આયોજનમાં વિદ્યાર્થીઓ માત્ર ગરબે ઘૂમ્યા એટલું જ નહીં, પરંતુ વિવિધ વેશભૂષા દ્વારા પોતાની કલાત્મકતા અને ઉત્સાહનું પણ પ્રદર્શન કર્યું હતું. કોઈ ફિલ્મી હીરોના અંદાજમાં તો કોઈ અલગ વ્યવસાયિક કે પાત્રાલેખનને અનુરૂપ વેશભૂષામાં જોવા મળ્યું હતું. રંગબેરંગી પોશાક અને પરંપરાગત ગુજરાતી પહેરવેશ સાથે વિદ્યાર્થીઓએ ગરબાના તાલે રમઝટ બોલાવી હતી.
ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત થવાની સાથે અન્ય રાજ્યો અને વિદેશથી આવેલા વિદ્યાર્થીઓએ અહીંની લોકપરંપરા, રાસ-ગરબા અને નવરાત્રીના ઉત્સવને નજીકથી અનુભવ્યો હતો. ગરબાના તાલે વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા, એકતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનની ભાવના પણ જોવા મળી હતી. અલગ-અલગ ભાષા, પ્રદેશ અને દેશમાંથી આવેલા વિદ્યાર્થીઓ એક જ મંચ પર ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.
‘ઝણકાર 2026’ના આયોજનમાં 11થી 15 ઓક્ટોબર દરમિયાન અલગ-અલગ થીમ અને વેશભૂષા આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેનિમ અને દાંડિયા, રેટ્રો મેનિયા તથા કેરેક્ટર ડે, ગુજરાતી ભવ્યતા, ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ ઉત્સવ જેવી થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરના રોજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
આયુર્વેદના અભ્યાસ માટે જામનગર આવેલા વિદ્યાર્થીઓ માટે આ મહોત્સવ અભ્યાસની સાથે ભારતીય સંસ્કૃતિને જાણવાનો અને માણવાનો એક યાદગાર અવસર બની રહ્યો છે. નવરાત્રીના પવિત્ર પર્વમાં માતાજીની આરાધના સાથે યોજાયેલા આ ગરબા મહોત્સવે જામનગરમાં દેશ-વિદેશની સંસ્કૃતિઓનો સુંદર સંગમ સર્જ્યો છે.


