જામનગર જિલ્લાના મેઘપર ગામમાં બે પરિવાર વચ્ચે ચાલતા જૂના મનદુખનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે બન્ને પરિવારો વચ્ચે ધારિયા, પાઇપ, ધોકા જેવા હથિયારો વડે સામસામા કરાયેલા હુમલામાં ચારથી વધુ વ્યક્તિઓ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં યશપાલસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ. 23) નામનો યુવક તેના સગાભાઇ સંદીપસિંહ સાથે એક્સેસ બાઇક પર શનિવારે રાત્રિના સમયે તેના ઘરે જતો હતો. દરમ્યાન પ્રતાપસિંહ રામસંગ કંચવાએ બૂલેટ પર આવીને, “તમારા વાહન સાઇડમાં રાખો, આ ગામ તમારા બાપનું નથી.” તેમ કહેતાં યશપાલસિંહએ, ‘અમારું વાહન સાઇડમાં જ છે’ તેમ જણાવતા ઉશ્કેરાયેલા પ્રતાપસિંહ, દિનેશસિંહ શિવુભા કંચવા, જીતુભા શિવુભા કંચવા, દિવ્યરાજસિંહ ભીખુભા કંચવા, છત્રપાલસિંહ કરણસિંહ કંચવા, યશપાલસિંહ પ્રભાતસિંહ કંચવા સહિતના છ શખ્સોએ એકસંપ કરી ધારિયા, પાઇપ અને ધોકા જેવા હથિયારો સાથે આવીને સંદીપસિંહ, પાર્થરાજસિંહ, પૃથ્વીરાજસિંહ ઉપર હુમલો કરતાં મહાવીરસિંહ અને ચિરાગસિંહ છોડાવવા વચ્ચે પડતાં તેમના ઉપર પણ ઘોકા વડે આડેધડ માર મારી ગાળો કાઢી હતી.
હુમલામાં સંદીપસિંહ અને પૃથ્વીરાજસિંહને તથા પાર્થરાજસિંહને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ મહાવીરસિંહને માથામાં ઇજા પહોંચી હતી. જ્યારે સામાપક્ષે પ્રભાતસિંહ ઉપર સંદીપસિંહ દિલીપસિંહ રાઠોડ, યશપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, મહાવીરસિંહ દિલીપસિંહ કંચવા, શિવરાજસિંહ કરણસિંહ કંચવા, પૃથ્વીરાજસિંહ નવલસિંહ રાઠોડ, દેવુભા રેણાજી કંચવા, રાજદીપસિંહ ભરતસિંહ પીંગળ, ચિરાગસિંહ પીંગળ, હરદીપસિંહ કેશુભા કંચવા નામના નવ શખ્સોએ એકસંપ કરી પ્રભાતસિંહ તથા તેના પરિવાર ઉપર પાઇપ વડે હુમલો કરી બૂલેટમાં નુકસાન કરી ગાળો કાઢી હતી. બન્ને પરિવારો વચ્ચે ઘણાં સમયથી ચાલતા જૂના મનદુખમાં સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા 6 જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે યશપાલસિંહની 6 શખ્સો વિરૂદ્ધ અને સામાપક્ષે પ્રભાતસિંહની નવ શખ્સો વિરૂદ્ધ હુમલાની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


