Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો

જામનગરમાં રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો

ગુલાબનગર વિસ્તારમાં ખુટીયાએ ઢીક મારતા ઘવાયો : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત : મહાનગરપાલિકાની ઘોર બેદરકારી

- Advertisement -

જામનગર શહેરના રાજમાર્ગો પર વર્ષોથી અડીંગો જમાવી બેસતા ઢોર હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કરાતી કામગીરીની જરાપર અસર થતી નથી. ગંભીર બાબત એ છે કે, આ રાજમાર્ગો પર રખડતા ઢોરને કારણે અનેક શહેરીજનોએ જીવ ગુમાવ્યા છે અને ઘણાં ગંભીર રીતે ઘવાયા છે. તેમ છતાં મહાનગરપાલિકાના તંત્ર શહેરીજનોના ભોગ લેવાતી સમસ્યાના નિરાકરણ માટે લાંબાગાળાનું કોઇ આયોજન કરતી નથી. આવી સમસ્યામાં પ્રજા તો માત્ર ભોગ બને છે. અવાર-નવાર રખડતા ઢોરને કારણે બનતા અકસ્માતમાં શહેરીજનોને ગંભીર ઈજાઓ અને અમુક બનાવોમાં તો મોત પણ થતા હોય છે તેમ છતાં નિંભર તંત્રને પ્રજાની કોઇ દરકાર જ નથી. જે પ્રજા દ્વારા ચૂંટવામાં આવે છે તે જ પ્રતિનિધિઓ પ્રજાની સમસ્યાનું નિરાકરણ માટે કેમ ગંભીરતા દાખવતા નથી ? અવાર-નવાર રખડતા પશુઓ શહેરીજનો ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટનાઓ સીસીટીવી ફુટેજો પણ સામે આવે છે તેમ છતાં તંત્ર આ બાબતે પરિણામલક્ષી કામગીરી કરવામાં ઉણુ ઉતરે છે.

- Advertisement -

હાલમાં જ વધુ એક ઘટના બની હતી. જેમાં ગત તા.6 ના રોજ સાંજના સમયે ગુલાબનગરમાં રામમંદિર વાળી શેરીમાં નવી નિશાળ પાસેથી ચાલીને જતો હરેશ નટવરલાલ રાઠોડ (ઉ.વ.45) નામનો વાળંદ કામ કરતો યુવાનને રખડતા ખુટીયાએ હડફેટે લઈ ઢીક મારતા પટકાયેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ થઈ ગયો હતો ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન તા.25 ના રોજ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ ભાવેશ દ્વારા જાણ કરાતા હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વર્ષોની જટિલ સમસ્યામાં તંત્ર દ્વારા પ્રજાના પરસેવાની કમાણીના ખર્ચે રોજમદારો ગોઠવી ઢોર ભગાડવાની કામગીરી કરવામાં આવે છે. જો કે, આ કામગીરીથી કોઇ ફાયદો થતો નથી. કેમ કે મુખ્ય રોડ પરથી ખસેડાયેલા ઢોર શેરી-ગલ્લીઓમાં જતા રહે છે જ્યાં શહેરીજનોને ઢોર હડફેટે લેતા હોય છે. આવી તો અનેક ઘટનાઓ શહેરમાં બનતી હોય છે પરંતુ આ ઘટના પૈકીની અમુક જ ઘટના જાહેર થતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાએ શહેરીજનોના ભોગ લેવાતી આ સમસ્યાના કાયમી નિકાલ માટે ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular