દ્વારકા નજીકના દરિયાકાંઠેથી ગત શુક્રવાર તા. 7 ના રોજ રૂ. 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિન વારસુ મળી આવ્યો હતો. આ વચ્ચે શનિવારે પણ જુદા જુદા ત્રણ સ્થળોએથી આશરે 64 જેટલા પેકેટ મળી આવતા ભારે ચર્ચા જાગી છે.
છેલ્લા આશરે દસેક દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. આ વચ્ચે જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાબેના વાંચ્છું અને ગોરીંજા ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસે ચરસનો મોટી માત્રામાં જથ્થો પોલીસને સાંપળ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આશરે 64 પેકેટનો આ જથ્થો વાંચ્છું, ગોરીંજા અને ચંદ્રભાગા દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસુ હાલતમાં પડ્યો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો છે. જુદા જુદા ત્રણ સ્થળોએથી ઝડપાયેલા 64.727 કિલોગ્રામના આ હાઈ ક્વોલિટીના ચરસની કિંમત રૂ. 34.37 કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. આમ, છેલ્લા દસ દિવસ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 115 જેટલા પેકેટની કિંમત અંદાજિત રૂપિયા 61,86,35,000 સુધી થવા જાય છે. શનિવારે દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપળેલા કરોડો રૂપિયાની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી કરવામાં આવી હતી. અંગે પોલીસ દ્વારા વિગતો આપવામાં આવી હતી.
આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે. દેવભૂમિમાંથી સાંપડેલી આ વિશાળ માત્રામાં કરોડો રૂપિયાની કિંમતના ચરસનો જથ્થો અસામાજિક તત્વો દ્વારા સંભવત: પોલીસ પેટ્રોલિંગમાં પકડાઈ જવાના ડરથી બિનવારસુ છોડી દેવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના દરિયાકાંઠે પણ મળી આવતા વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ (ચરસ)ના આ જથ્થા સંદર્ભે પોલીસ તંત્રમાં પણ દોડધામ સાથે સ્થાનિકોમાં ભારે ચર્ચા મચી જવા પામી છે. જે અંગે પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ડ્રોન પેટ્રોલિંગ તેમજ સર્વેલન્સ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ – તજવીજ હાથ ધરાઈ છે.
આટલું જ નહીં, પોલીસ દ્વારા ઓખા મંડળના દરિયા કાંઠા વિસ્તારમાં જુદા જુદા ગામોની વિઝીટ કરી અને આ અંગે ગ્રામજનોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.