જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગરૂમમાંથી કડક સુરક્ષા વ્યવસ્થામાં EVM મશીનો બહાર કાઢી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકો માટે કુલ 2137 મશીનોની ફાળવણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે કુલ 474 ઈવીએમ, જામનગર જિલ્લા પંચાયત માટે કુલ 808 ઈવીએમ, જામનગર તાલુકા પંચાયત માટે 824 ઈવીએમ તથા સીક્કા નગરપાલિકા માટે ૩૧ ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં કુલ 4,42,829 મતદારો નોંધાયેલા છે, જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની કુલ 12 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તથા સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19.409 મતદારો નોંધાયા છે.
View this post on Instagram
જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે.
EVM ફાળવણી સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહીત ચૂંટણીલક્ષી કામગીરી માટે ફાળવેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


