જામનગર જિલ્લાના તમામ યુનિટના હોમગાર્ડ સભ્યોને જિલ્લા કમાન્ડન્ટ દ્વારા આખરી સૂચના આપી તાકીદ કરવામાં આવી છે કે તમામ સભ્યો એ 50% પરેડ ફરજિયાત કરવી જરૂરી છે.
જામનગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા વડી કચેરીના આદેશ અનુસાર તમામ સભ્યોએ દર મહિને યોજાતી ચાર પરેડ પૈકીની બે પરેડ એટલે કે 50% પરેડ કરવી ફરજિયાત છે. હોમગાર્ડ દળ તાલીમ અને શિસ્તને વરેલું છે. જેમાં તાલીમ અને શિસ્તબદ્ધતા માટે તાલીમનું આયોજન કરવામાં આવે છે. આથી જીલ્લાના તમામ યુનિટના હોમગાર્ડના સભ્યો, એન.સી.ઓઝ અને અધિકારીઓએ તાલીમબદ્ધ અને શિસ્તના આગ્રહી રહે તે માટે જિલ્લાના તમામ યુનિટમાં 4 પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડમાં હોમગાર્ડને ડ્રીલ, વ્યાયામ, શિસ્ત, ટર્નઆઉટ તથા ફરજ દરમિયાન જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.
હાલ જિલ્લા હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા સભ્યો દ્વારા તેમની ફરજ દરમિયાન શિસ્ત અને તાલીમના અભાવે ઘણાં સભ્યો અશિસ્તમાં જણાયા હતાં. જેના કારણે હોમગાર્ડદળની ગરિમા અને હાર્દને નુકસાન પહોંચે છે જે બાબત યોગ્ય નથી. જેથી જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ ગીરીશ સરવૈયા દ્વારા જુલાઈ-2024 થી તમામ યુનિટ ખાતે યોજાતી પરેડમાં દરેક હોમગાર્ડસ હાજરી આપે તે અનિવાર્ય છે તેમ છતાં જે કોઇ હામગાર્ડ જે-તે માસની 50% પરેડમાં હાજર નહીં રહે તો તેના પછીના માસમાં હોમગાર્ડ ફરજ ફાળવવામાં આવશે નહીં. જેની દરેક હોમગાર્ડ સભ્યોએ નોંધ લેવી આ તમામની જવાબદારી જે-તે યુનિટના ઓફિસર કમાન્ડીંગ/ઈન્ચાર્જની રહેશે અને જે કોઇ સભ્ય 50% પરેડમાં નહીં હોય તે સભ્યની જવાબદારી યુનિટના ઓફિસર કમાન્ડીંગ/ઈન્ચાર્જની રહેશે. જેથી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા કમાન્ડન્ટની યાદીમાં જણાવાયું હતું.