આજે 06 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરાઈ તેની 29મી વરસીને લઈ ઉત્તર પ્રદેશ પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસ પ્રમુખ દ્વારા શાંતિ અને સુરક્ષા મામલે કોઈ જ સમજૂતી ન કરવા માટેના સ્પષ્ટ નિર્દેશો આપી દેવાયા છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે, કોઈ પણ શહેરમાં પરંપરા સિવાયના કોઈ જ નવા આયોજનની મંજૂરી નહીં આપવામાં આવે. તેમ છતાં જો કોઈએ કાયદો હાથમાં લેવા પ્રયત્ન કર્યો તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, મથુરામાં કેટલાક હિંદુવાદી સંગઠનોએ પરંપરાથી હટીને કેટલાક કાર્યક્રમો કરવાની જાહેરાત કરી હતી. એડીજી પ્રશાંત કુમારે આ મામલે મથુરામાં સીનિયર અધિકારી કેમ્પ કરી રહ્યા હોવાની માહિતી આપી હતી. સ્થાનિક પોલીસ પ્રશાસન સાથેની વાતચીત બાદ સંગઠનોએ પોતાનો કાર્યક્રમ પાછો ખેંચી લીધો છે. વધુમાં પ્રશાંત કુમારે જણાવ્યું કે, 06 ડિસેમ્બરની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે યુપીમાં પીએસી અને સ્ટ્રોન્ગ પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. એડીજી એલઓના કહેવા પ્રમાણે 06 ડિસેમ્બરના રોજ યુપીમાં 150 કંપની પીએસી, 6 કંપની સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
જ્યારે અયોધ્યા, વારાણસી, મથુરા માટે અલગથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 06 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં વિવાદિત ઢાંચાના વિધ્વંસને લઈ કેટલાક સંગઠનો વિજય દિવસ અને કેટલાક સંગઠનો શહીદી દિવસ ઉજવવાની તૈયારીમાં લાગ્યા રહે છે. 06 ડિસેમ્બરના રોજ અસામાજીક તત્વો માહોલ બગાડવા માટે પણ પ્રયત્ન કરે છે પરંતુ અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ માહોલ ખૂબ બદલાઈ ગયો છે. ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને પોલીસ વધારાની સાવચેતી પણ રાખી રહી છે. એડીજી એલઓ પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે 06 ડિસેમ્બરને લઈ યુપીના તમામ જિલ્લાના પોલીસ ઓફિસર્સને પેટ્રોલિંગ કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે. કોઈ પણ નવા આયોજન માટે મંજૂરી નહીં અપાય.