જામનગર શહેરના સરૂ સેક્શન રોડ ઉપર આવેલી પીઓનિકા સોસાયટીમાં રહેતાં વૃદ્ધની અવારનવાર મસ્તી કરતાં શખ્સ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાડોશમાં રહેતાં શખ્સે ગઇકાલે રાત્રિના સમયે વૃદ્ધના ઘરમાં ઘૂસી છરીના આડેધડ ઘા ઝિંકી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી ગણતરીની કલાકોમાં જ હત્યારને ઝડપી લીધો હતો.
આ હત્યાના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ ઉપર આવેલી પીઓનિકા સોસાયટીમાં રહેતાં દેવાયતભાઇ રામશીભાઇ વારોતરિયા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઇકાલે રાત્રિના સમયે તેના ઘરે હતા ત્યારે એક શખ્સે આવીને વૃદ્ધના શરીર ઉપર આડેધડ છરીના ઘા ઝિંક્યા હતા. જેના કારણે વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. હુમલો કર્યા બાદ શખ્સ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. પાડોશી શખ્સ દ્વારા જીવલેણ હુમલામાં વૃદ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો.
View this post on Instagram
આ હત્યાના બનાવ અંગે પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરતાં મૃતક દેવાયતભાઇના જ પાડોશમાં રહેતાં સાગર મારખી વશરા નામનો શખ્સ વૃદ્ધની અવારનવાર મસ્તી કરતો હતો અને આ બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી સાગરે જ દેવાયતભાઇ ઉપર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાની મૃતકના પૌત્ર રાજુ વજશીભાઇ વારોતરિયાના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી હત્યારા સાગર મારખી વશરા નામના શખ્સની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


