Wednesday, September 23, 2026
Homeરાજ્યજામનગરગણેશ વિસર્જનમાં જોવા મળી કોમી એકતાની અનોખી ઝલક - VIDEO

ગણેશ વિસર્જનમાં જોવા મળી કોમી એકતાની અનોખી ઝલક – VIDEO

મુસ્લિમ તરવૈયાઓ પણ બન્યા ગણેશ ભક્તોની સેવામાં સહભાગી, કૃત્રિમ કુંડમાં સુરક્ષિત વિસર્જન માટે આપી રહ્યા છે સેવા

જામનગરમાં ગણેશ મહોત્સવની ભક્તિ અને આસ્થાભરી ઉજવણી વચ્ચે હવે ગણેશ વિસર્જનનો તબક્કો શરૂ થયો છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભક્તિ સાથે સાથે કોમી એકતાનો પણ સુંદર સંદેશ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

વિસર્જન સ્થળે ગણેશ ભક્તોની સુરક્ષા માટે સ્થાનિક તરવૈયાઓની ટીમ ખડેપગે સેવા આપી રહી છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં મુસ્લિમ યુવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને ગણેશજીની પ્રતિમાના સુરક્ષિત વિસર્જનમાં સહભાગી બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સ્વેચ્છાએ આ સેવાકાર્ય કરી રહ્યા હોવાનું યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

કૃત્રિમ કુંડમાં પાણીની ઊંડાઈ આશરે ૮થી ૧૦ ફૂટ જેટલી હોવાથી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તરવૈયાઓ સતત સતર્ક રહે છે. ગણેશજીની પ્રતિમા લઈને આવતા ભક્તોને કુંડમાં સુરક્ષિત રીતે વિસર્જન કરાવવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તરવૈયાઓ પાણીમાં ઉતરીને મદદરૂપ બને છે.

આ સેવાકાર્યમાં જોડાયેલા મુસ્લિમ યુવાનો માટે પણ આ માત્ર ફરજ નહીં પરંતુ માનવતા અને સામાજિક એકતાની સેવા બની છે. ગણેશજી પ્રત્યે આસ્થા ધરાવતા ભક્તો સાથે ખભેખભો મિલાવીને તેઓ વિસર્જન વ્યવસ્થામાં સહયોગ આપી રહ્યા છે. ધર્મ અલગ હોવા છતાં સેવા અને માનવતાના ભાવથી સૌ એકસાથે જોડાઈ શકે છે તેનો સુંદર સંદેશ આ દૃશ્યો આપી રહ્યા છે.

- Advertisement -

ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતા સમાજમાં ભાઈચારો, પરસ્પર સન્માન, સહકાર અને કોમી એકતાની ભાવનાને પણ મજબૂત બનાવે તેવા દૃશ્યો જામનગરમાં જોવા મળી રહ્યા છે. એક તરફ ગણેશ ભક્તિ અને આસ્થાનો માહોલ છે તો બીજી તરફ મુસ્લિમ તરવૈયાઓ દ્વારા આપવામાં આવી રહેલી સેવા આ સમગ્ર ઉત્સવને માનવતાના રંગથી રંગી રહી છે.

ગણપતિ બાપ્પાના વિસર્જન સાથે ભક્તિની સાથે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પણ ગુંજી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular