જામનગરની અદાલતમાં હત્યા તથા દારૂના કેસના આરોપીને મુદ્તમાં લાવતા જાપ્તામાં રહેલી પોલીસકર્મી સાથે આરોપીને હથકડી ન પહેરાવવા પોલીસ સાથે ઝપાઝપી કરવા અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગે કેદી સહિત બે શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, હત્યા તેમજ દારૂના કેસમાં જેલમાં રહેલાં આરોપીને ગઈકાલે બપોરે પોલીસ જાપ્તામાં કોર્ટની તારીખમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા આરોપી વિક્રમસિંહ ભૂપતસિંહ કેસૂરને હથકડી પહેરાવતા વિક્રમસિંહ દ્વારા બળપ્રયોગ કરી પોતાનો હાથ ખેંચી હાથકડી પહેરાવા નહીં દઈ દેકારો મચાવ્યો હતો. આ દરમિયાન વિક્રમસિંહ એ પ્રકાશસિંહ ભૂપતસિંહ કેસૂરને બોલાવતા કેફી પીણુ પીધેલી હાલતમાં આવી પ્રકાશસિંહ દ્વારા પો.કો. અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા સાથે ઝઘડો કરી પોલીસ કોન્સ્ટેબલને કહ્યું હતું કે, હથકડી પહેરાવતા નહીં નહીંતર તમારા વિરુધ્ધ ખોટી ફરિયાદ કરી ફસાવવાની ધમકી આપી પોલીસ કોન્સ્ટેબલની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.
આ ઘટનાને લઇ પોલીસ કંટ્રોલને જાણ કરાતા તાત્કાલિક આવેલી પોલીસવાનને આરોપીને સોંપવામાં આવ્યા હતાં અને સિટી એ ડીવીઝન ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા દ્વારા આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા સિટી એ ના પીએસઆઈ એમ.એન. રાઠોડ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


