Saturday, October 3, 2026
Homeરાજ્યજામનગરઆરપીએફ જવાનની તત્પરતાથી જામનગર સ્ટેશન પર મુસાફરનો જીવ બચ્યો - VIDEO

આરપીએફ જવાનની તત્પરતાથી જામનગર સ્ટેશન પર મુસાફરનો જીવ બચ્યો – VIDEO

ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડેલા મુસાફરને આરપીએફ કોન્સ્ટેબલ અમિત દહિયાએ સાહસ અને કોઠાસૂઝથી સુરક્ષિત બહાર કાઢ્યા

- Advertisement -

રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનની સતર્કતા, તત્પરતા અને સાહસથી એક મુસાફરનો જીવ બચી ગયો. આ ઘટના 3 ઑક્ટોબર 2026ના રોજ ગાડી નંબર 59551 રાજકોટ–ઓખા પેસેન્જરના જામનગર સ્ટેશન પર બની હતી.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, 61 વર્ષીય મુસાફર શ્રી બટુક દાસ રાજકોટથી દ્વારકાની મુસાફરી કરી રહ્યા હતા. જામનગર રેલવે સ્ટેશન પર પાણી લેવા માટે તેઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. પાણી લીધા બાદ જ્યારે તેઓ ફરીથી ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ચાલુ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે પડી ગયા.

ડ્યુટી પર તહેનાત રેલવે સુરક્ષા દળ (RPF)ના કોન્સ્ટેબલ અમિત દહિયાએ સહેજ પણ સમય ગુમાવ્યા વગર તુરંત કાર્યવાહી કરીને મુસાફરને પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા. તેમની તત્પરતા, સાહસ અને કોઠાસૂઝના કારણે મુસાફરનો અમૂલ્ય જીવ બચી શક્યો. સદ્ભાગ્યે મુસાફરને કોઈ પ્રકારની ઈજા પહોંચી ન હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતાં જ સહાયક સબ-ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુસાફરની કુશળતાની ખાતરી કર્યા બાદ તેમને સુરક્ષિત રીતે તે જ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા અને ટ્રેનને આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવી.

રાજકોટ ડિવિઝન ના ડીવીઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીના તેમજ સહાયક સુરક્ષા કમિશનર (ASC) – પ્રભારી શ્રી અશોક કુમાર ત્યાગી દ્વારા આરપીએફ કોન્સ્ટેબલ અમિત દહિયા દ્વારા દર્શાવવામાં આવેલી તત્પરતા, સાહસ અને કોઠાસૂઝની પ્રશંસા કરવામાં આવી છે. સમયસર લેવાયેલા તેમના પગલાંએ માત્ર એક મુસાફરનો જીવ જ નથી બચાવ્યો, પરંતુ રેલવે સ્ટેશનો પર સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના મહત્વને પણ રેખાંકિત કર્યું છે.

રેલવે પ્રશાસન મુસાફરોને અપીલ કરે છે કે તેઓ ચાલુ ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરે. ટ્રેન સંપૂર્ણપણે થોભી જાય તે પછી જ સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢવું કે ઉતરવું. સહેજ પણ બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular