Sunday, May 26, 2024
Homeરાજ્યજામનગરઆજે સાંજે 150 કલાકારો સાથેનો મલ્ટીમીડિયા શો ‘નમોસ્તુતે નવાનગર’ રજૂ થશે

આજે સાંજે 150 કલાકારો સાથેનો મલ્ટીમીડિયા શો ‘નમોસ્તુતે નવાનગર’ રજૂ થશે

નમોસ્તુતે નવાનગરના માધ્યમથી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરાશે

- Advertisement -

આજરોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 7 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, સચિવ અશ્વિનીકુમાર તથા કમિશનર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા 60 મિનિટનો નમોસ્તુતે નવાનગરનામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ થનાર છે. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

- Advertisement -

150 કલાકારો તથા 40 ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરાયેલ આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં છે.

આ મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડો. મનોજ જોશી મનદ્વારા તૈયાર કરાઈ છે તેમજ ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ તથા જય વિઠલાણી દ્વારા તેનું દિગ્દર્શન કરાયું છે. શો ને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંકુર પઠાણ દ્વારા કોરીયોગ્રાફ કરાયો છે. જ્યારે ગીત સંગીત મેહુલ સુરતી, નિષિથ મહેતા, સૌનક પંડ્યા તથા દર્શન ઝવેરી દ્વારા અપાયું છે તેમજ જેડી ઇફેક્ટ મુંબઈ દ્વારા શો ને સ્પેશિયલ ઇફેક્ટ આપવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લાના આ જ પ્રકારે તૈયાર કરાયેલ મલ્ટીમીડિયા શો માં ભગવાન શ્રીકૃષ્ણના મુખે દ્વારકાની ગાથા વર્ણવાયેલી જ્યારે જુનાગઢ ખાતે યોજાયેલ શોમાં ગરવા ગિરનારના મુખે સોરઠની ગાથા વ્યક્ત કરાયેલી ત્યારે જામનગર ખાતે યોજાઇ રહેલ આ મલ્ટીમીડિયા શો ની ગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે એ જાણવું અને માણવું પણ રસપ્રદ બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular