જામનગર શહેર અને જિલ્લામાં અવાર-નવાર નશીલા પદાર્થ ગાંજાનું વેંચાણ થતું જોવા મળે છે. પોલીસ દ્વારા આ વેંચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. તેમ છતાં ગાંજાનું વેંચાણ અટકતું નથી. શંકરટેકરી વિસ્તારમાંથી વેંચાણ કરતા વધુ એક શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હોય છે. દરિયાઈ માર્ગે નશીલા પદાર્થ ઘુસાડવાની પેરવી અવિરત થતી રહે છે. જેના કારણે હાલારની પોલીસ હંમેશા એલર્ટ રહેતી હોય છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અવાર-નવાર નશીલા પદાર્થો ઝડપાવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. દરમિયાન જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં ગાંજાનું વેંચાણ થતું હોવાની એસઓજીના બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ ડી. એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી. પરમાર અને એલ. એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફે શંકરટેકરી સુભાષપરા શેરી નં. 2 માં રહેતા ઈમરાન શેરમામદ નોયડા નામનો શખ્સ તેના મકાનમાં બહારથી ગાંજો મંગાવી વેંચાણ કરતા સ્થળેથી પોલીસે રૂા.4100 ની કિંમતનો 410 ગ્રામ ગાંજાના જથ્થા સહિતનો રૂા.4850 નો મુદ્દામાલ ઝડપી લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.