રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ તરીકે જોગવડના રામદૂતનગર વાડી વિસ્તારની પ્રાથમિક શાળાનું સંપૂર્ણ સુવિધાસજ્જ મકાન તૈયાર કરી આપવામાં આવશે. તાજેતરમાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાના આ નવા મકાનની ખાતમુહૂર્ત વિધી સંપન્ન કરવામાં આવી હતી.
જામનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગ્રામ પંચાયતની રજુઆતને માન્ય રાખીને રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીની મંજૂરી અને માર્ગદર્શનથી તૈયાર થનાર આ ગ્રીન બિલ્ડીંગમાં કુલ આઠ વર્ગખંડો, ઈતર પ્રવૃત્તિઓ માટે વધારાના બે રૂમ, આચાર્યની ઓફીસ, સ્ટાફરૂમ, કુમાર અને કન્યાઓ માટેના અલગ સેનીટેશન બ્લોક, મુખ્ય પ્રવેશદ્વાર અને કમ્પાઉંડ વોલ સહિત કુલ 7,774 ચો.ફૂટનું બાંધકામ થશે.
ઉલ્લેખનીય છે કે, શાળાના નવા મકાનની સાથે સોલાર સીસ્ટમ, પબ્લીક એનાઉન્સમેંટ સીસ્ટમ, સી.સી.ટીવી., આર.ઓ. પ્લાન્ટ, ફાયર ફાઈટીંગ સીસ્ટમ, રમતનાં સાધનો સાથેનું મેદાન અને સંગીતનાં સાધનો પણ પૂરાં પાડવામાં આવશે. શાળાને ઉપયોગી એવાં બેંચ, ટેબલ, ખુરશી, કબાટ સહિતના ફર્નિચરથી સજ્જ કરીને બાંધકામ પૂર્ણ થયે સુંદર વૃક્ષરોપણ કરી આ ગ્રીન બિલ્ડીંગ સત્તાધિકારીઓને સુપ્રત કરાશે.
રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ દ્વારા થઈ રહેલી શિક્ષણ, આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ , યુવા ઉત્કર્ષ સહિતની સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિઓ આસપાસના ગ્રામજનો માટે આશિર્વાદરૂપ સિદ્ધ થઈ રહી છે.