દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાએ એક વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યા બાદ તેનું મોત નિપજ્યાના બનાવથી વ્યથિત રહેતી મહિલાએ તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ દ્વારકા તાબેના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન હીરાભાઈ પાંચાભાઈ પરમાર (ઉ.વ.25) નામના પરિણીત મહિલાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે એક પુત્રનો જન્મ થયો હતો. જન્મ બાદ આ બાળક મૃત્યુ પામ્યું હતું. આ બનાવથી બેચેન રહેતા અને પોતાના પુત્રના સતત વિચારો આવતા ભાવનાબેન હીરાભાઈને ક્યાંય ગમતું ન હતું. આ પરિસ્થિતિમાં તેણીએ ગત તા. 18 જૂનના રોજ પોતાના ઘરના રસોડામાં રહેલી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. આથી તેણીને વધુ સારવાર અર્થે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી માવતરે પરત આવી ગયા બાદ બુધવાર તા.26 ના રોજ તેણીનું મૃત્યુ હતું. બનાવ અંગેની જાણ મુળુભાઈ વાઘેલા દ્વારા કરાતા દ્વારકા પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.