આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે કુલ 193 ફોર્મ ઉપડયા છે. પરંતુ હજૂ સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. આજે ભાજપા દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત થઇ છે અને આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારની જાહેરાત થશે. ત્યારે હવે ફોર્મ ભરવા માટે ચાર જ દિવસ બાકી હોય, આગામી દિવસોમાં ફોર્મ રજૂ થશે.
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ગઇકાલે તા. 9ના રોજ કાલાવડ વિધાનસભા બેઠક ઉપર આઠ ફોર્મ, જામનગર ગ્રામ્યની બેઠક ઉપર 24 ફોર્મ, જામનગર ઉત્તરની બેઠક ઉપર બાર ફોર્મ, જામનગર દક્ષિણની બેઠક ઉપર પાંચ ફોર્મ તથા જામજોધપુર બેઠક પર પાંચ ફોર્મ મળી કુલ 54 ફોર્મ ઉપડયા હતાં. પરંતુ એકપણ ફોર્મ ભરાયું ન હતું. ગત તા. 5 નવેમ્બરના રોજ કુલ 59 ફોર્મ, તા. 7 નવેમ્બરના રોજ 49 ફોર્મ તા. 8 નવે.ના રોજ 31 ફોર્મ તથા તા. 9ના રોજ 54 ફોર્મ મળી કુલ 193 ફોર્મ હજૂ સુધીમાં ઉપડયા છે. પરંતુ અત્યાર સુધીમાં એકપણ ફોર્મ ભરાયું નથી. હવે ફોર્મ ભરવાને માત્ર ચાર દિવસ બાકી છે. ત્યારે છેલ્લી ઘડીએ ઉમેદવારોનો રાફડો ફાટતાં ફોર્મ ભરવા માટે ધસારો થશે.