રાજ્યના સરકારી તબીબો દ્વારા આરોગ્ય વિષયક માંગણીઓને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે કરવામાં આવેલી હડતાળનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના સરકારી તબીબો અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે પરામર્શ કરીને સુખદ અંત લાવવામાં આવ્યો છે.
રાજ્યની આરોગ્ય સેવાઓને અવિરત કાર્યરત રાખી ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવામાં આવશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
ગઇ કાલે સરકારી ડૉકટર્સના પ્રશ્નો સંદર્ભે માંગણીઓ સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં 4 થી 5 બાબતો અંગે તબીબોને મુંઝવણ હતી જેને વિગતવાર ચર્ચા કરી તબીબો સાથે પરામર્શ કરીને દૂર કરવમાં આવી છે.
ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે, તબીબોની એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30 મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે.
જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને ન્યુ પેન્શન સ્કીમના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તબીબોને C.A.S. (કેરી પર એડવાન્સમેન્ટ સ્કીમ) તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સ ને 7 માં પગારપંચ નો લાભ આપવામાં હકારાત્મક અભિગમ દાખવીને અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે.
રાજ્યના દંતશિક્ષકો અને આયુષના શિક્ષકો, વૈધો માટે N.P.A. માટે અલગથી વિચારણા કરવામાં આવશે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, તબીબોની માંગણીઓનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરીને નિયતસમયમર્યાદામાં નિરાકરણ લાવવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે.