ધ્રોલ-ટંકારા ધોરીમાર્ગ પર હરીપર નર્સરીની બાજુમાં સોમવારે રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતી ઈકો કારના ચાલકે હોન્ડાને હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ મૃતકની પત્ની અને પુત્રીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાંથી રાકેશભાઈ જેન્તીભાઈ વાદી (ઉ.વ.35), તેની પત્ની ગીતાબેન વાદી (ઉ.વ.35) અને પુત્રી સોનલ (ઉ.વ.12) ત્રણેય સોમવારે રાત્રિના સમયે રાકેશભાઇ તેના જીજે-17-એજી-1703 નંબરના બાઈક પર ટંકારા તરફ જતા હતાં ત્યારે ધ્રોલ તાુકાના હરીપર નજીક નર્સરીની પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-03-ઈએલ-8140 નંબરની ઈકોકારના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર રાકેશભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા પત્ની અને પુત્રીની નજર સમક્ષ મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ગીતાબેન અને પુત્રી સોનલને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતની જાણ થતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માતની જાણ થતા મૃતક રાકેશભાઈના વેવાઈ ભાથીભાઈ વાઘેલા અને પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. બાદમાં પોલીસે ભાથીભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.