ગુજરાત રાજ્યભરમાં તમામ વિધાનસભા વિસ્તારોમાં દિવાળી અને નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા દિવાળી-નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો, સમાજના હોદ્દેદારો, શુભેચ્છકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહમિલન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. બંને નેતાઓએ ઉપસ્થિત લોકોને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. નવા વર્ષની શરૂઆત નિમિત્તે શુભેચ્છાઓની આપ-લે સાથે સ્નેહ, સૌહાર્દ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા કલાકાર ચિંતન ત્રિવેદી ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમણે પોતાના સુરીલા સ્વરે ભજન અને ગીતોની મનમોહક પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત શ્રોતાઓને સંગીતના રંગે રંગ્યા હતા. તેમના લોકપ્રિય ગીતો અને ભક્તિમય ભજનોની પ્રસ્તુતિથી સમગ્ર કાર્યક્રમ સંગીતમય બની ગયો હતો. ચિંતન ત્રિવેદીના સ્વરનો જાદુ ઉપસ્થિત લોકોમાં છવાયો હતો અને લોકોએ સંગીતમય સાંજનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ કાનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, અશોક નંદા, ડો. વિમલ કગથરા, પૂર્વ મેયર અમીબેન પરીખ, દિનેશ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
આ ઉપરાંત વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો, સમાજના હોદ્દેદારો, શુભેચ્છકો, રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિએ સ્નેહમિલન સમારોહને વિશેષ બનાવ્યો હતો. રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે સંગીત અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ તથા ચિંતન ત્રિવેદીની સંગીતમય પ્રસ્તુતિ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.


