Tuesday, November 17, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં દબાણ હટાવ્યા બાદ ફરી ખડકાયા ગેરકાયદેસર દબાણો...! -VIDEO

જામનગરમાં દબાણ હટાવ્યા બાદ ફરી ખડકાયા ગેરકાયદેસર દબાણો…! -VIDEO

જામનગર શહેરમાં જાહેર માર્ગો અને ચોકડીઓ પરના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી કરવામાં આવે છે. જોકે, આ કામગીરી કેટલી અસરકારક સાબિત થાય છે તેવો સવાલ અંબર ચોકડી નજીક સર્જાયેલી સ્થિતિ પરથી ઊભો થયો છે.  ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને અંબર ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્થળ પરના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, પરંતુ કામગીરી પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ ફરી એ જ સ્થળે દબાણો ખડકાઈ ગયાં હતાં. આજે પણ સ્થળ પર અગાઉની જેમ જ દબાણ યથાવત જોવા મળી રહ્યું છે.

- Advertisement -

દબાણ હટાવવાની કામગીરી બાદ ફરીથી દબાણ ઊભું ન થાય તે માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. જો તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવે અને થોડા જ સમયમાં ફરી એ જ સ્થિતિ સર્જાય તો આવી કામગીરી પાછળ ખર્ચાતો સમય, મહેનત અને સરકારી તંત્રના સંસાધનોનો હેતુ શું રહે છે? આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતાં જવાબદારીના મુદ્દે અલગ-અલગ વિભાગોની કામગીરી અને નિરીક્ષકોની ભૂમિકા અંગે પણ સવાલો સામે આવ્યા હતા. એક તરફ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, તો બીજી તરફ ત્યારબાદ સ્થળ પર દેખરેખ રાખવાની જવાબદારી કોણ નિભાવશે તે સ્પષ્ટ થતું નથી. પરિણામે ફરી એકવાર સ્થિતિ ‘જૈસે થે’ બની રહી છે.

- Advertisement -

અંબર ચોકડી પર ફરી યથાવત થયેલા દબાણને લઈને હવે શહેરીજનોમાં પણ લોકચર્ચા શરૂ થઈ છે કે ખરેખર મહાનગરપાલિકા દ્વારા દબાણો કાયમી ધોરણે દૂર કરવામાં આવશે કે પછી આ રીતે જ સમયાંતરે કામગીરી કરીને માત્ર દેખાડો કરવામાં આવશે? દબાણ હટાવવાની કામગીરી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે અને ફરીથી દબાણ ન થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવે તેવી લોકમાગ ઊઠી રહી છે. હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકાનું તંત્ર અંબર ચોકડીને ખરેખર દબાણમુક્ત બનાવશે કે પછી થોડા દિવસો બાદ ફરી એ જ દૃશ્યો જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular