જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રફ કાર ન ચલાવવા માટે સમજાવવા જતાં ખેડૂત યુવાન ઉપર પિતા-પુત્ર શખ્સે લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં ભરતભાઈ અવચરભાઈ મેંદપરા (ઉ.વ.48) નામના ખેડૂત યુવાન બાઈક લઈને તેના ઘરે જતા હતાં ત્યારે વલો વેલ્ડીંગવારો અને તેનો પુત્ર મહમદ બંને ઈકો કાર લઇને પુરપાટ નિકળ્યા હતાં જેથી ખેડૂત યુવાને પીપરાચોક પાસે જઈ પિતા-પુત્રને રફ વાહન ન ચલાવવા બાબતે સમજાવવા જતાં પિતા-પુત્રએ ગાળાગાળી કરી લાકડી વડે આડેધડ માર મારી માથામાં તથા શરીરે ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા ખેડૂતને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ કે.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


