રૂ.3.65 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વિભાગની કડક કાર્યવાહી, ઓવરલોડ અને બિનઅધિકૃત ખનિજ વહન કરતા ડમ્પરો સામે નિયમોનુસાર કાર્યવાહી
જામનગર જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અને ઓવરલોડિંગ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સતત અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન કુલ 13 ડમ્પરો અટકાવવામાં આવ્યા છે અને આશરે રૂ.3.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર 3 ડમ્પર, નિકાવા-કાલાવડ રોડ પર 3 ડમ્પર તથા જોડિયા-બાદનપર રોડ અને પડાણા સર્કલ વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 6 ડમ્પરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત વહન, રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ ખનિજનું પરિવહન તેમજ સાદીરેતીનું બિનઅધિકૃત વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા તમામ કિસ્સાઓમાં ડમ્પરો કબજે કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
30 સપ્ટેમ્બર 2026ના રોજ જામનગરના ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ 3 ડમ્પરો અટકાવવામાં આવ્યા હતા.
તપાસમાં એક ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે ડમ્પરોમાં રોયલ્ટી પાસમાં દર્શાવાયેલા જથ્થા કરતાં વધુ ખનિજ એટલે કે ઓવરલોડ માલનું વહન કરવામાં આવતું હોવાનું જણાયું હતું.
આ કાર્યવાહી દરમિયાન ત્રણેય ડમ્પરો સહિત આશરે રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા ડમ્પરો કબજે કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ કામગીરીમાં નિખીલભાઈ અને નૈતિકભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.
View this post on Instagram
આ પહેલા 29 સપ્ટેમ્બર 2026ના રોજ જામનગરના નિકાવા-કાલાવડ રોડ પર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું પરિવહન કરતા કુલ 3 ડમ્પરો અટકાવવામાં આવ્યા હતા. જેમાં 2 ડમ્પરોમાં બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય એક ડમ્પર રોયલ્ટી પાસમાં મંજૂર કરાયેલા જથ્થા કરતાં વધુ એટલે કે ઓવરલોડ બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતું ઝડપાયું હતું.
આ સમગ્ર કાર્યવાહીમાં આશરે રૂ.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ડમ્પરોનો કબજો ભોલેનાથ સ્ટોન ખાતે સોંપવામાં આવ્યો હતો અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા તમામ વાહનો સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી પહેલાં ખાણ-ખનીજ વિભાગે જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ પાસે પણ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જામનગર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી કરવામાં આવેલી તપાસ દરમિયાન સાદીરેતીનું બિનઅધિકૃત વહન કરતા 4 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા.
ચારેય ડમ્પરોમાંથી આશરે રૂ.1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પડાણા સર્કલ વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનિજનું ઓવરલોડ પરિવહન કરતા વધુ 2 ડમ્પરો અટકાવવામાં આવ્યા હતા. આ બંને ડમ્પરોમાં ભરેલા બ્લેકટ્રેપ ખનિજ સહિત આશરે રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બંને ડમ્પરોનો કબજો પડાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આમ, આ એક જ દિવસની કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગે કુલ 6 ડમ્પરો કબજે કરી આશરે રૂ.1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જામનગર જિલ્લામાં ખનિજના ગેરકાયદે અને બિનઅધિકૃત વહન સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસમાં કરવામાં આવેલી આ ત્રણ અલગ-અલગ કાર્યવાહીને જોતા કુલ 13 ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત વહન, રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થાનું ઓવરલોડિંગ અને સાદીરેતીનું ગેરકાયદે વહન જેવા કિસ્સાઓ સામે આવ્યા છે.
ત્રણેય દિવસની કાર્યવાહીમાં મળીને આશરે રૂ.3.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા કબજે કરાયેલા તમામ ડમ્પરો અંગે નિયમોનુસાર કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
ખનિજના ગેરકાયદે વહન અને ઓવરલોડિંગને અટકાવવા માટે વિભાગ દ્વારા અલગ-અલગ માર્ગો અને સર્કલ વિસ્તારોમાં આકસ્મિક તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલી સતત કાર્યવાહીને પગલે ખનિજ વહન કરતા વાહનચાલકો અને સંચાલકોમાં પણ તંત્રની તપાસને લઈને ચકચાર જોવા મળી રહી છે.


