ટ્રાન્સમીશન લાઇન/ટ્રાન્સમીશન ટાવર ઉભા કરતી વખતે અસરગ્રસ્ત જમીનના વળતરના ચૂકવણા માટે બજાર ભાવ નિયત કરવા અંગેની નોટીસ અન્વયે જામનગર જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે ટ્રાન્સમીશન લાઇન કે ટાવર ઉભા કરવાની કામગીરી શરૂ કરતા પહેલા અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની વિગતોમાં ફેરફારો (અવલ-દવલ) થયેલા છે અને ખેડૂતોના નામોમાં પણ ભૂલો રહી ગયેલ છે. આથી રેકોર્ડમાં જરૂરી તમામ સુધારા પૂર્ણ કર્યા બાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવા માંગણી કરાઇ છે. વધુમાં જણાવ્યું છે કે તેઓને જે નોટીસ આપવામાં આવી છે તે તંત્ર દ્વારા અપાઇ છે પરંતુ ટેલીગ્રામ ઓથોરેટી એટલે કે ટ્રાન્સમીશન લાઇન સ્થાપીત કરનાર કંપની દ્વારા એમઆરસી અંગે કોઇ પૂર્વ નોટીસ કે લેખીત જાણ કરાઇ નથી. તેમજ સદર નોટીસ આપીને 14 દિવસનો નિયત સમય પણ આપવામાં આવ્યો નથી. તેમજ કાયદા મુજબ લાઇન સ્થાપનાથી હિત ધારક ખેડૂતોને થતાં તમામ નુકસાનનું પુરેપુરૂ વળતર આપવું ફરજિયાત છે. ઉર્જા વિભાગના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવાની જાણ કરાઇ છે. પરંતુ આ માર્ગદર્શીકા ખેડૂતોને માન્ય ન હોય આ અંગે અગાઉ પણ રજૂઆતો કરાઇ છે.
ખેડૂતો સંપૂર્ણ નુકશાની વળતર મેળવવા હક્કદાર હોય ઉર્જા વિભાગનો ઠરાવ ખેડૂતોને પુરેપુરૂ વળતર આપતો ન હોય જામનગરના વિવિધ ગામો દ્વારા સદર ઠરાવ અમાન્ય હોવાના ઠરાવો કરી આવેદનપત્ર પાઠવાયા છે. વધુમાં જણાવ્યું છે કે નોટીસથી ખેડૂતોના વળતર અંગેના હક્કો સીમીત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જે ખેડૂતોના વિરોધ છતાં એકતરફી કાર્યવાહી દર્શાવે છે અને કાયદાકીય રીતે ગેરવ્યાજબી છે. ઇસ્યુ કરાયેલ નોટીસ ખેડૂતોના હક્ક છીનવતી હોય તાત્કાલીક દફતરે કરવા માંગણી કરાઇ છે. જો કાયદાકીય જોગવાઇઓની અવગણના કરીને એક તરફી કાર્યવાહી કરવામાં આવશે તો તેનાથી ઉદભવનાર પરિણામોની જવાબદારી તંત્રની રહેશે તેમ જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા ચીમકી અપાઇ છે.
View this post on Instagram


