Monday, September 28, 2026
Homeરાજ્યજામનગરજીએસટીના વિરોધમાં બ્રાસ ઉદ્યોગ સજ્જડ બંધ, વિશાળ સ્કૂટર રેલી - VIDEO

જીએસટીના વિરોધમાં બ્રાસ ઉદ્યોગ સજ્જડ બંધ, વિશાળ સ્કૂટર રેલી – VIDEO

જામનગરના બ્રાસ ઉદ્યોગમાં જીએસટીના જટિલ કાયદા અને તેના કારણે ઉદ્યોગકારોને પડી રહેલી મુશ્કેલીઓ સામે આજે બ્રાસ ઉદ્યોગકારોએ એક દિવસ માટે ઉદ્યોગો બંધ રાખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ-2 સહિત વિવિધ સંગઠનોના સહયોગથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો એકત્ર થયા હતા.

- Advertisement -

જામનગર બ્રાસ પાર્ટના ઉત્પાદનનું મહત્વનું હબ છે અને વર્ષોથી અહીં બ્રાસ સ્ક્રેપનો વેપાર અને ઉપયોગ થાય છે. જીએસટી કાયદાની જટિલતાઓને કારણે પ્રામાણિક અને બોનાફાઈડ ઉદ્યોગકારો તથા વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, ઉપરથી માલની ખરીદી દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા જીએસટીની ચોરી કરવામાં આવે તો તેની અસર નીચેના બોનાફાઈડ ખરીદદાર સુધી પહોંચે છે. જે વ્યક્તિ દ્વારા જીએસટીની ચોરી કરવામાં આવી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પ્રામાણિક રીતે વ્યવહાર કરનાર ખરીદદાર કે ઉદ્યોગકારને મુશ્કેલી ન પડે તે માટે કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી છે.

જીએસટી વિભાગ દ્વારા અનેક યુનિટોને નોટિસો આપવામાં આવી રહી હોવાનો ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યો હતો. આવી નોટિસોના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું જણાવી જીએસટી કાયદાનું સરળીકરણ કરવામાં આવે તેમજ નોટિસ આપવાની પ્રક્રિયામાં સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રશ્નોને લઈને આજે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો તથા વિવિધ વેપારી-ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા અને શાંતિપૂર્ણ તથા લોકશાહી ઢબે સ્કૂટર અને બાઈક રેલી યોજી હતી. રેલીમાં ઉદ્યોગકારોએ જીએસટી સંબંધિત મુશ્કેલીઓનો કાયમી અને વ્યવહારુ ઉકેલ લાવવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર મારફતે જીએસટી કાયદાની જટિલતાઓ દૂર કરવા, બોનાફાઈડ કરદાતાઓને બિનજરૂરી મુશ્કેલીમાંથી મુક્તિ આપવા, જીએસટી ચોરી કરનાર સામે જ જવાબદારી નક્કી કરવા તેમજ ઉદ્યોગકારોને સ્પષ્ટ માર્ગદર્શન મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

બ્રાસ ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી હતી કે જિલ્લા કલેક્ટર દ્વારા ઉદ્યોગકારોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને જામનગરના બ્રાસ ઉદ્યોગના હિતમાં જીએસટી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા યોગ્ય અને વ્યવહારુ પગલાં લેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular