જામનગર શહેરમાં ગણેશ ચર્તુર્થીએ ગણેશ ભકતો દ્વારા ધામધુમ પૂર્વક ગણપતિજીની સ્થાપના કરી હતી અને 11 દિવસ સુધી ગણપતીજીની પૂજા અર્ચના કરી ગઇકાલે અનંત ચર્તુદર્શીએ વિઘ્નહર્તા ગણેશજીને ભાવભેર વિદાય આપી હતી. ગઇકાલે સવારથી જ અનેક રાજમાર્ગો ઉપર ‘ગણપતિ બાપા મોરિયા… અગલે વર્ષ તું જલ્દી આના’ના નાદ સાથે અબીલ ગુલાલની છોળ વચ્ચે ગણપતિજી વિદાયનો માહોલ જોવા મળ્યો હતો. ગઇકાલે ગણેશ વિસર્જનના અંતિમ દિવસે જામ્યુકો નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં કુલ 2679 મુર્તીઓનું વિસર્જન કરાયું હતું.
‘છોટી કાશી’ જામનગરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે અનંત ચતુર્દશીના પાવન અવસરે ‘ગણપતિ બાપા મોરિયા… અગલે વર્ષ તું જલ્દી આના…’ના ગગનભેદી નાદ સાથે ગણેશભક્તોએ પોતાના આરાધ્ય દેવને ભાવભીની વિદાય આપી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડમાં ગઇકાલે એક જ દિવસમાં 2679 ગણેશ મૂર્તિઓનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના વિસર્જન અહેવાલ મુજબ ગઇકાલે ખંભાળિયા બાયપાસ ખાતેના વિસર્જન કુંડમાં 1369 તથા સરદાર રિવેરા ખાતેના કુંડમાં 1310 મળી કુલ 2679 મૂર્તિઓનું વિસર્જન થયું હતું.
આ સાથે ગણેશ વિસર્જનના બાર દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ 4713 તથા સરદાર રિવેરા કુંડમાં કુલ 2492 મળી બંને કુંડમાં કુલ 7205 ગણેશ મૂર્તિઓનું વિસર્જન નોંધાયું છે.
અનંત ચતુર્દશીના અંતિમ દિવસે સવારથી જ બંને વિસર્જન કુંડ ખાતે ગણેશભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. ઢોલ-નગારાના તાલે, જયઘોષ અને ભક્તિગીતો વચ્ચે ગણેશ મૂર્તિઓને વિસર્જન સ્થળે લાવવામાં આવી હતી. બપોરથી મોડી સાંજ અને રાત્રી સુધી વિસર્જનની પ્રક્રિયા ધમધમતી રહી હતી.
11 દિવસ સુધી ભગવાન ગણેશની આરાધના કર્યા બાદ ગઇકાલે વિસર્જન વેળાએ ભક્તોની આંખોમાં ભાવુકતા જોવા મળી હતી. ‘ગણપતિ બાપા મોરિયા, અગલે વર્ષ તું જલ્દી આના’ના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાય આપી હતી અને આગામી વર્ષે ફરીથી પધારવા પ્રાર્થના કરી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બંને વિસર્જન કુંડ ખાતે કરવામાં આવેલી વ્યવસ્થાના કારણે સમગ્ર વિસર્જન પ્રક્રિયા સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત વિભાગોની ટીમોએ પણ સતત કામગીરી સંભાળી હતી. ગણેશોત્સવના અંતિમ દિવસે ભક્તોએ વ્યવસ્થામાં સહયોગ આપનાર તમામ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


