Wednesday, September 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં 24 વર્ષથી અકબંધ ગણેશ ભક્તિની પરંપરા - VIDEO

જામનગરમાં 24 વર્ષથી અકબંધ ગણેશ ભક્તિની પરંપરા – VIDEO

આ વર્ષે 15,551 કિલોના લાડુનો મહાપ્રસાદ

જામનગરમાં ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક આસ્થા અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને વર્ષોથી ચાલી આવતી લાડુના મહાપ્રસાદની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ગણપતિ દાદાની ભક્તિ અને શ્રદ્ધા સાથે આ વર્ષે મંડળ દ્વારા 15,551 કિલોગ્રામના વિશાળ લાડુના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની મહાઆરતી બાદ આ મહાપ્રસાદ ભાવિક ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તો દ્વારા ગણપતિ દાદાની પૂજા-અર્ચના સાથે સામૂહિક રીતે પ્રસાદ તૈયાર કરવાની આ પરંપરા ધાર્મિક ઉત્સવને સામાજિક એકતા અને ભાઈચારાના પર્વમાં પરિવર્તિત કરી રહી છે. શૈલેષભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા અને ચંદુભાઈ પ્રજાપતિ સહિતના વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરા સતત 24 વર્ષથી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આગળ વધી રહી છે.

- Advertisement -

વિશાળ મહાપ્રસાદની તૈયારીમાં પણ સામૂહિક સહભાગિતાનું અનોખું દૃશ્ય જોવા મળી રહ્યું છે. અંદાજે 200થી 250 બહેનો, 100થી 150 ભાઈઓ અને 50થી 60 નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવાભાવથી જોડાયા છે. 15,551 કિલોના આ મહાપ્રસાદ માટે 500 કિલો ભડકું, 250 કિલો ગોળ, 12 કિલાના ડબ્બા તેમજ 30 ડબ્બા તેલ અને 25થી 30 કિલો કાજુ-કિસમિસ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણેશજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે તૈયાર થતો આ મહાપ્રસાદ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યો છે. ગણેશ મહોત્સવની ધાર્મિક ઉજવણી સાથે સેવાભાવ, સહકાર અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપતું આ આયોજન જામનગરમાં ગણેશોત્સવની ભક્તિમય પરંપરાનું આગવું ઉદાહરણ બની રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular