કાલાવડ તાલુકામાંથી ફુડ વિભાગ દ્વારા ભેળસેળયુકત દૂધનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ હરીપર ગામમાંથી 6 લોકો પાસેથી શંકાસ્પદ દૂધના 6 નમૂના લેવામાં આવ્યો હતો. છાત્રાલયો અને હોસ્ટેલના રસોડામાં તપાસ દરમિયાન 7ને નોટીસ અપાઇ હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જામનગર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી તથા કમિશ્નર ઓફ ફૂડ સેફ્ટીના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ રેન્જની ટીમ સાથે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાંથી અલગ-અલગ 6 લોકો પાસેથી શંકાસ્પદ દૂધના 6 નમૂનાઓ લેવામાં આવેલ હતા.

જે તમામ નમૂનાઓમાં લેબોરેટરી તપાસ દરમિયાન દૂધના પાવડર તથા ફોરેન ફેટ અને વનસ્પતિની હાજરી મળી આવતા તમામ નમૂનાઓને લેબોરેટરી દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરેલ છે. જેના અનુસંધાને 6 લોકો સામે એફ.એસ.એસ.એ. 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા તા. 14/09/2026 થી વિવિધ છાત્રાલયોની રસોડાઓની તપાસ કરવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 12 છાત્રાલયોની તપાસ કરી કાયદા મુજબની જરૂરી સુધારા સ્થળ પર કરાવવા ઉપરાંત કાયદા મુજબના લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા માટે 07 નોટિસ આપવામાં આવી છે.

આ તપાસ આવનારા સમયમાં પણ ચાલુ રહેવાની હોય કોઈપણ છાત્રાલય, કેન્ટીન કે પી.જી.ના રસોડાઓ ચલાવતા હોય તેઓએ કાયદા મુજબનું લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી કાયદા મુજબની સ્વચ્છતા ફરજિયાત જાળવવાની રહેશે. જેથી આવા તમામ વેપારીઓને સત્વરે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી કાયદા મુજબની સ્વચ્છતા જાળવી ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરવા ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


