ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીને રૂ.20 હજારની લાંચ લેતા ACB ની ટીમે ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સબ ફાયર ઓફિસર તથા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બાબુલાલ પટેલ (ઉ.વ.55) દ્વારા ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવા માટે રૂ.20,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભરૂચ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન 19 સપ્ટેમ્બરના ગાંધીનગર સેક્ટર-17 ખાતે આવેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આક્ષેપિત અધિકારી રાજેશ પટેલે ફરિયાદી પાસેથી રૂ.20,000ની લાંચ સ્વીકારતા જ અઈઇની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
ACB ની કાર્યવાહીમાં લાંચ પેટે સ્વીકારવામાં આવેલી રૂ.20,000ની સમગ્ર રકમ પણ રિકવર કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ચર્ચા જગાવી છે.
આ લાંચના છટકાની કાર્યવાહી ભરૂચ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


