આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ઉપયોગથી અનેક સુવિધાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ છે. પરંતુ તેની સાથે સાથે સાઇબર ક્રાઇમ અને ઓનલાઇન ઠગાઇના કિસ્સાઓ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. હાલના સમયમાં ‘ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ’ એ લોકો માટે એક ગંભીર અને ચિંતાજનક સમસ્યા બનીને સામે આવ્યું છે.ત્યારે ચાલો જાણીએ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડથી કેવી રીતે બચવું ?….
ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
જ્યારે જરૂરિયાતમંદ લોકો નાણાકીય કટોકટીમાં ઓનલાઇન ઝડપી લોન માટે સર્ચ કરે છે, ત્યારે તેમને પ્લેસ્ટોર કે અન્ય થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ પર ઘણી બોગસ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન્સ મળી આવે છે.
- ઓછા દસ્તાવેજનું આકર્ષણ: આ એપ્લિકેશન્સ ઓછામાં ઓછા દસ્તાવેજો પર ખૂબ જ ટૂંકા સમયમાં નાની રકમની લોન આપવાનું વચન આપે છે.
- ડેટા ચોરી : ડાઉનલોડ કરતી વખતે, આ એપ્સ તમારા મોબાઇલની ગેલેરી, ફાઇલો, અને કોન્ટેક્ટ લિસ્ટ ને એક્સેસ કરવાની પરમિશન માંગે છે.
- બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસ: પરમિશન આપતા જ તમારો અંગત ડેટા સાઇબર ક્રિમીનલ્સના કબજામાં જતો રહે છે. ત્યારબાદ તેઓ ઊંચા વ્યાજ સાથે ટૂંકા સમયમાં રકમ ભરવા માટે દબાણ કરે છે. જો તમે ચુકવણી ન કરો, તો તમારા ફોટા સાથે છેડછાડ કરી તેને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં મોકલીને તમને માનસિક રીતે ટોર્ચર કરે છે અને બદનામ કરવાની ધમકી આપે છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ
- સાઇબર ગુનાઓથી સુરક્ષિત રહેવા માટે થોડી જાગૃતિ અને સાવચેતી ખૂબ જ જરૂરી છે:
- RBI માન્યતા પ્રાપ્ત એપ્સનો જ ઉપયોગ કરવો: માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નોંધાયેલી કે માન્યતા પ્રાપ્ત બેંક/NBFC ની લોન એપ્લિકેશન જ ડાઉનલોડ કરવી.
- પ્રાઇવેસી એક્સેસ ન આપવો: એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે કોન્ટેક્ટ લિસ્ટ કે ફોટો ગેલેરી જેવા પ્રાઇવેસી ડેટાનો એક્સેસ માંગતી પરમિશન ક્યારેય એનેબલ (Allow) ન કરવી.
- અજાણી લિંકથી બચવું: વોટ્સએપ, એસએમએસ કે અજાણ્યા સ્ત્રોત (Unknown Sources) માંથી મળતી લિંક પરથી કોઇપણ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી.
- રેટિંગ્સ અને રિવ્યૂઝ ચકાસવા: કોઈપણ એપ વાપરતા પહેલા તેના યુઝર રેટિંગ્સ, રિવ્યૂઝ અને ડેવલપરની માહિતી બરાબર વાંચી લેવી.
- અંગત માહિતી શેર ન કરવી: ક્યારેય પણ તમારી અંગત કે નાણાકીય માહિતી (જેમ કે OTP, CVV, પિન વગેરે) અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી.
સાઇબર ગુનેગારો લોકોની મજબૂરી અને અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવીને તેમને આ જાળમાં ફસાવે છે. ઝડપી અને સરળ લોનની લાલચમાં આવીને પોતાની અંગત માહિતી જોખમમાં મૂકવી એ મોટી મુશ્કેલી નોતરી શકે છે. તેથી, ઓનલાઇન લોન લેતા પહેલાં પૂરતી તકેદારી રાખવી અને જાગૃત રહેવું એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. જો તમે કે તમારી ઓળખમાં કોઈ આવી ઠગાઈનો ભોગ બને, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.
અસ્વીકરણ: હાલ ડિજિટલ યુગમાં થતા સાયબર ગુનાઓને ધ્યાને રાખી સાવચેતીરૂપ આ માહિતી પ્રદાન કરવામાં આવેલ છે. જો આપ કોઈ પણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો તરત જ 1930 ડાયલ કરો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. આપ નજીકની સાયબર ક્રાઇમ બ્રાન્ચનો પણ સંપર્ક કરી શકો છો.


