જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં દંપતિને અવારનવાર ઘર ખાલી કરી જતાં રહેવા માટે પરિવારના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડી અને ભાલા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગાગવા રોડ ઉપર રહેતાં તેજલબા કિરીટસિંહ કંચવા (ઉ.વ.36) નામના મહિલા અને તેના પતિને તેના જ ગામમાં રહેતાં મહિપતસિંહ રણજિતસિંહ કંચવા તથા તેના પરિવાર દ્વારા તેજલબાને અવારનવાર ઘર ખાલી કરી બીજે રહેવા જતા રહેવા માટે દબાણ કરી બોલાચાલી અને ઝઘડો કરતાં હતાં. તેમજ દુકાન બાબતનો ખાર રાખી ગત્ તા. 14ના સાંજના સમયે મહિપતસિંહ રણજિતસિંહ કંચવા, વર્ષાબા મહિપતસિંહ કંચવા અને તેનો પુત્ર જયવીરસિંહ મહિપતસિંહ કંચવા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી તેજલબા અને તેના પતિને જેમ ફાવે તેમ ગાળો કાઢતાં દંપતિ સમજાવવા ગયું હતું. ત્યારે મહિપતસિંહ, વર્ષાબા અને જયવીરસિંહએ એકસંપ કરી ભાલા જેવા તિક્ષ્ણ હથિયાર, લાકડી, લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં કિરીટસિંહ રણજિતસિંહ કંચવા નામના યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.
સગાભાઇ અને ભાભી સહિતના કરાયેલા જીવલેણ હુમલામાં ઘવાયેલા કિરીટસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ ડી. ડી. પટેલ તથા સ્ટાફએ તેજલબાના નિવેદનના આધારે મહિપતસિંહ અને તેના પત્ની તથા પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


