દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ખાતે આવેલી એક ખાનગી ઊર્જા કંપનીમાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. કંપનીમાં મેઇન્ટેનન્સની કામગીરી કરી રહેલા કલ્યાણપુરના રાણ ગામના યુવાનને અચાનક હાઈવોલ્ટેજ વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ આકસ્મિક બનાવને પગલે મૃતક યુવાનના પરિવાર સહિત સમગ્ર પંથકના સતવારા સમાજમાં ભારે શોક અને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે.

આ ગમખ્વાર બનાવની વિગતમુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વતની અને આશાસ્પદ યુવાન ભાવેશભાઈ સવજીભાઈ ડાભી (ઉ.વ. 22) નામના યુવાન રણજીતપુર ખાતે આવેલી ખાનગી ઊર્જા કંપનીમાં ફરજ બજાવતા હતા. તેઓ કંપનીના પ્લાન્ટ/લોકેશન પર નિયત મેઇન્ટેનન્સ સમારકામની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક જ તેઓ કોઈ કારણોસર હાઈવોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી જતાં પ્રચંડ વીજ કરંટનો ઝટકો લાગવાના કારણે યુવાન ગંભીર રીતે દાઝી ગયા હતા. આ વીજ આંચકો એટલો ભયાનક હતો કે, તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. ત્યારબાદ કંપનીના કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા તાત્કાલિક લાઈન બંધ કરી તેમને બચાવવા પ્રયાસો હાથ ધરી પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ કલ્યાણપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
માત્ર 22 વર્ષની નાની ઉંમરે ઘરના કમાઉ અને જુવાનજોધ દીકરા ભાવેશભાઈ ડાભીના ઓચિંતા મોતના સમાચાર રાણ ગામે પહોંચતા જ ડાભી પરિવાર અને સ્ટાફ મિત્રો ઉપર આભ તૂટી પડ્યું હતું.


