Monday, June 8, 2026
Homeરાજ્યજામનગરવેકેશન બાદ આજથી શાળાઓમાં ગૂંજી ઉઠી વિદ્યાર્થીઓની કિલકારી - VIDEO

વેકેશન બાદ આજથી શાળાઓમાં ગૂંજી ઉઠી વિદ્યાર્થીઓની કિલકારી – VIDEO

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે 35 દિવસના ઉનાળુ વેકેશનના સમયગાળા બાદ આજે જામનગર શહેર અને જિલ્લાના તમામ સરકારી તેમજ ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરી એકવાર શૈક્ષણિક વાતાવરણ જીવંત બન્યું હતું. લાંબા વિરામ બાદ શાળાઓના પરિસરમાં વિદ્યાર્થીઓની કિલકારીઓ ગુંજતી થતાં કેમ્પસમાં ચહલપહલનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ આજથી સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક કાર્યનો પુન:પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -

વહેલી સવારથી વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મૂકવા માટે નીકળ્યા હતા. અનેક વાલીઓ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો મારફતે બાળકોને શાળાએ પહોંચાડતા નજરે પડ્યા હતા. બીજી તરફ શાળા સંચાલકો દ્વારા સંચાલિત સ્કૂલ બસો, વેન અને સ્કૂલ રીક્ષા સહિતના ખાનગી વાહનો પણ આજે ફરીથી રસ્તા પર દોડતા થયા હતા. શહેરના મુખ્ય માર્ગો તેમજ શાળાઓની આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી ખાસ્સી ચહલપહલ જોવા મળી હતી.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. જામનગર શહેર અને જિલ્લાના સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આગામી દિવસોમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાશે. જેમાં નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
શૈક્ષણિક કાર્યના પુન:પ્રારંભ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં નવા શૈક્ષણિક વર્ષને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં નિયમિત શિક્ષણ કાર્ય શરૂ થતાં શાળાઓ ફરીથી ધમધમતી બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular